અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના અધ્યક્ષસ્થાને શહેર વિસ્તારના મુસાફર પરિવહન કેન્દ્રોની સુરક્ષા અંગેની સંકલન બેઠક યોજવામાં આવી હતી. સંકલન બેઠક બાદ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે આવતા મુસાફરોને પડતી અગવડ ઓછી કરવાનાં નિવારાત્મક પગલાં અંગેના આયોજન માટે નવા બની રહેલા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે વાહન પાર્કિંગ, નવા વિકસી રહેલ રેલવે સ્ટેશનના સરસપુર તરફના વિસ્તાર; તથા ભવિષ્યમાં ટ્રાફિકની અગવડતા ઓછી થાય તે રીતના આયોજનને અમલમાં મૂકવાના હેતુસર શહેર પોલીસ કમિશનર દ્વારા રેલવે સ્ટેશન આસપાસના તમામ રોડની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન રેલવેના ડિવિઝનલ મેનેજર, રેલવેના એડીઆરએમ, આરપીએફના ડિવિઝનલ સિક્યોરિટી અધિકારીઓ, સ્ટેશન ડાયરેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએમ, વેસ્ટર્ન રેલવેના નાયબ પોલીસ અધિક્ષક, આરટીઓના ઇન્સ્પેક્ટરઓ, અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરઓ હાજર રહ્યા હતા.