અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી.
જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ તમામ પ્રશ્નો સાંભળી તેનો ઝડપથી હકારાત્મક ઉકેલ લાવવા જિલ્લા વિકાસ અધિકારીએ સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ‘સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી થવાની છે ત્યારે એના પહેલાં જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોની નજીક ચાલતાં પાન- બીડી અને સિગારેટના ગલ્લા બંધ કરાવવા સ્પેશિયલ ડ્રાઇવ યોજવી તથા નાનાં બાળકો અને વિદ્યાર્થીઓ વ્યસનોની બદીથી દૂર રહે એ માટે આવી ડ્રાઇવ સમયાંતરે યોજતા રહેવા સૂચના આપી હતી.
ધારાસભ્યશ્રીઓના પ્રશ્નો સાંભળી જિલ્લા વિકાસ અધિકારીએ જે ગામમાં પીવાના પાણીની સમસ્યા હોય, તેનો સત્વરે કાયમી ઉકેલ લાવવા તેમજ તમામ રહીશોને ‘નલ સે જલ’ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ સિવાય, જિલ્લાની જૂની અને જર્જરિત કચેરીઓને તાત્કાલિક ધોરણે વિશાળ જગ્યા ધરાવતી અન્ય કચેરીઓમાં ખસેડવા પણ સૂચના આપી હતી.
સંકલનની બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થતાં પ્રજાના પ્રશ્નો નિયત સમયમર્યાદામાં નિકાલ થાય તે જરૂરી છે, તેમણે સંકલનના અધિકારીઓને સત્વરે નિયમાનુસાર હકારાત્મક નિરાકરણની કામગીરી માટે તાકીદ કરી હતી.
આ બેઠકમાં ધોળકા વિસ્તારમાં રસ્તાને લગતા પ્રશ્નો, બાવળા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવા અંગે, જાહેર સ્થળો અને રસ્તા પરનાં દબાણોના પ્રશ્નો, લારી ગલ્લા માટે જગ્યા નક્કી કરવા, ગટરના પાણીનો નિકાલ, સોલાર અને વીજ જોડાણને લગતા પ્રશ્નો, એસ. ટી. બસ સ્ટોપને લગતા પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડને લગતા પ્રશ્નો, શહેરના ગેરકાયદે દબાણો દૂર કરવા, અશાંત ધારાનો ચુસ્ત અમલ કરવા, કાયદો અને વ્યવસ્થાને સંબંધિત પ્રશ્નો, એન.એફ.એસ.એ. કાર્ડ અને ઝોનલ ઓફિસ બનાવવા જગ્યા ફાળવવા અને મેડિકલ હોસ્પિટલોની જગ્યાઓ ભરવા સહિતના પ્રશ્નોની વિગતે ચર્ચા કરાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી કંચનબેન વાઘેલા, ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, અમિતભાઇ ઠાકર, અમિતભાઇ શાહ, ઇમરાન ખેડાવાલા, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.