Ahmedabad

અમદાવાદના ચાંગોદર ખાતે મેટર કંપની નિર્મિત દેશના સૌ પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઈક પ્લાન્ટનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાંગોદર ખાતે મેટર કંપની દ્વારા નિર્મિત દેશના સૌ પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઈક પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ચૈત્રી નવરાત્રી-દુર્ગાષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે અને ઓટોમોબાઇલ ક્ષેત્રે ૧૨ ટકાના ગ્રોથ સાથે વિકાસ કર્યો છે. આજે દેશની ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વ સાથે હરીફાઈ કરવા સજ્જ બની છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ગ્રીન ગ્રોથ એનર્જીને આગળ વધારવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ઇનોવેટ ઇન ઇન્ડિયા’ મંત્ર આપ્યો છે. આ મંત્રને ચરિતાર્થ કરવા માટે મેટર કંપની દ્વારા આજથી દેશના સૌ પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઈકના પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.

પટેલે ઉમેર્યું કે બદલાતાં સમયની દિશા પારખીને વડાપ્રધાનએ આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સનો પ્રારંભ કરાવીને રિન્યૂએબલ ઊર્જા પર ભાર વિશેષ મૂક્યો છે. તેમના નેતૃત્વમાં ભારતે ગ્રીનગ્રોથ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે છેલ્લાં ૧૦ વર્ષમાં દેશની ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા ૨.૮ ગીગા વોટથી વધીને ૧૦૨.૫ ગીગા વોટ થઈ છે. જ્યારે વિન્ડ એનર્જીનું ઉત્પાદન બમણું થયું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે સૌર ઊર્જા આધારિત ઘરેલુ વીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મેળવી દેશનાં ૧૧ લાખથી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. પરિણામે, આજે દેશની સૂર્ય આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા ૯ ગીગાવોટથી વધીને ૯૮ ગીગા વોટ સુધી પહોંચી છે.

આ જ પ્રકારે, ૪.૫ લાખ ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ચાલુ વર્ષના કેન્દ્રીય બજેટમાં રૂ. ૨૨૪૦ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવી પટેલે કહ્યું કે ભારત આજે વિશ્વના ત્રીજા સૌથી મોટા રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદક દેશ બનવા તરફ અગ્રેસર છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લાં ૧૦ વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૬૪૦ ગણી વૃદ્ધિ સાથે ગયા વર્ષે ૧૭ લાખ જેટલા ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. તેમણે કહ્યું કે ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકારે ઈવી પોલિસી-૨૦૨૧ બનાવી છે અને આ દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પણ કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત, ઈલેક્ટ્રિકલ વ્હીકલ માટે જરૂરી લિથિયમ આયન બેટરીના ઉત્પાદનને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે.

પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રીન એનર્જીના ઉપયોગની દિશામાં કટિબદ્ધ છે અને આ માટે રાજ્યના જાહેર પરિવહનમાં ૮૦૦ જેટલી ઈવી બસો ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં ગત વર્ષે ૨.૬૪ લાખ ઈલેક્ટ્રિક વાહનો રજિસ્ટર્ડ થયાં છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઝીરો કાર્બન ઉત્સર્જન પર ભાર મૂકતાં વડાપ્રધાનના વિકસિત ભારત @૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગ્રીન એનર્જી, ક્લિન એનર્જી આધારિત પર્યાવરણમાં સહયોગ આપવા માટે સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર સાકાર કરી રહી છે. એટલું જ નહીં, વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ને એક પગલું આગળ વધારીને ‘મેક ઇન ગુજરાત’માં વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ બની રહી છે, જેનું ઉદાહરણ મેટર એરા બાઇક છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે મેટર કંપનીના સ્થાપક અને ગ્રૂપ સીઇઓ મોહલ લાલભાઇએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ગુજરાતની પ્રગતીશીલ ઔદ્યોગિક નીતિઓના કારણે આ કાર્ય શક્ય બન્યું છે. તેમણે આને મેટર અને વ્યાપક ઇવી ઇકોસિસ્ટમ માટે પરિવર્તનકારી ક્ષણ ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ આ તકે બાઇક વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. મેટર કંપની દ્વારા મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના પોલીસ વિભાગ તેમજ ગીર રેન્જર્સ માટે એક-એક ઈલેક્ટ્રિક બાઇક પણ અર્પણ કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેટિવ ઇન્ડિયા આધારિત નેક્સ્ટ જનરેશન પ્લાન્ટ થકી વાર્ષિક ૧.૨૦ લાખ જેટલાં યુનિટનું ઉત્પાદન કરવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્ય કનુભાઈ પટેલ, કંપનીના સ્થાપક અને ગ્રૂપના ચીફ ઓપરેટિંગ ઓફિસર અરુણપ્રતાપ સિંઘ, પ્રોફેસર અરવિંદ સહાય સહિત મહાનુભાવો, ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ અને મેટર કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું ૧૦મું સ્કિન ડોનેશન. ઘરે જઇ મેળવવામાં આવેલ ચોથુ સ્કીન દાન

અમદાવાદ, સંજીવ રાજપૂત; સિવિલ હોસ્પિટલમાં આજે ૧૦મું સ્કિન ડોનેશન થયું છે ઘરે જઇને…

મહિલા દિવસની પુર્વ સંધ્યાએ મહિલાએ કર્યુ મહાદાન : અંગદાન. સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૦મું અંગદાન

અમદાવાદઃ, સંજીવ રાજપૂત: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *