રીપોર્ટ અનુજ ઠાકર.
સમય ફાઉન્ડેશન, ઝુંડાલ દ્વારા રેનબસેરામાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે IGF ફાઉન્ડેશનની મેડિકલ ટીમ દ્વારા તમામ ઘરવિહોણા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી.

સમય ફાઉન્ડેશન, ઝુંડાલ દ્વારા તમામ દીકરીઓને પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રના સેનેટરી પેડ આપવામાં આવ્યા, જ્યારે બાળકોને શિક્ષણ કિટ અને સૌને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો.

“દુનિયામાં આપણી મહેમાનગતિને યાદગાર બનાવીએ, જ્યાં હજી અંધારું છે ત્યાં દીપક પ્રગટાવીએ” — આ વિચારને જીવનમાં ઉતારતા અનિતાબેન પરમાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું, તેજલબેન પટેલે શિક્ષણના મહત્ત્વ વિશે પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા, તેમજ ડૉ. હર્ષ જૈન અને એમની મેડિકલ ટીમે દીકરીઓને માસિક ચક્ર દરમિયાન અને રોજિંદી સ્વચ્છતા કેવી રીતે જાળવવી તે અંગે ઉપયોગી માહિતી આપી. ઉર્મિબેન ટંડન દ્વારા યોગના મહત્ત્વ અને નિયમિત યોગાભ્યાસના લાભો સમજાવવામાં આવ્યા.
આ ઉજવણી રેનબસેરાના સૌ માટે સૌથી યાદગાર દેવ દિવાળી બની રહી — કારણ કે દરેકના ચહેરા પર આનંદ, કૃતજ્ઞતા અને આશાની ચમક દેખાઈ રહી હતી.
સમય ફાઉન્ડેશન, ઝુંડાલ દ્વારા આગામી સમયમાં દર રવિવારે આ બાળકોને શિક્ષણ આપવાની અનોખી પહેલ શરૂ કરાઈ છે.
















