Ahmedabad

હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કુટર્સના ૫૦ કરોડ મોટરસાઇકલના ઉત્પાદનની માઈલસ્ટોન ઉજવણીમાં સહભાગી થતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે હોન્ડા મોટરસાઇકલ કંપની દ્વારા વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ યુનિટ ઉત્પાદનની અને ભારતમાં ૭ કરોડ યુનિટ ઉત્પાદન કરવાની માઈલસ્ટોન સિધ્ધીના ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ ‘ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાના જવાનોને અભિનંદન પાઠવી જણાવ્યું કે હોન્ડા મોટરસાયકલ કંપનીએ પણ વિશ્વમાં ૫૦ કરોડ અને ભારતમાં ૭ કરોડ ટુ-વ્હીલર ઉત્પાદન કરવાની સિદ્ધિ મેળવી છે એ ગૌરવપૂર્ણ ઘટના માટે ખૂબ અભિનંદનને પાત્ર છે.

તેમણે કહ્યું કે આજથી બે-અઢી દાયકા પહેલાં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રની કોઈ ચર્ચા જ નહોતી. ૨૦૦૧માં નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું એ પછી રાજ્યમાં તમામ ક્ષેત્રોની જેમ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ ઇકોસિસ્ટમ વિકાસાવી છે. એક સમયે આ વિસ્તારમાં જ્યાં વિકાસની કોઈ સંભાવના નહોતી, એવો આ માંડલ-બેચરાજી-વિઠલાપુરનો વિસ્તાર આજે ઓટોમોબાઈલ હબ બન્યો છે. તેના મૂળમાં વડાપ્રધાનની વિઝનરી લીડરશીપ છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘મેક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડ’ સૂત્ર દ્વારા ભારતે આજે ગ્લોબલ ઇકોનોમીમાં મજબૂત ભાગીદારી બનાવી છે. માંડલ-બેચરાજી-વિઠલાપુરના ઓટો હબના ઉદ્યોગોએ સૂત્રને સાકાર કરે છે.

વડાપ્રધાનની વાત દોહરાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ-જીડીપીની સાથે જીઈપી-ગ્રોસ એમ્પાવરમેન્ટ ઓફ પીપલ આધારિત વિકાસ જરૂરી છે, તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાત આજે મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડકટર અને ગ્રીન હાઇડ્રોજન સહિત ઈ-મોબિલિટી જેવા ઉભરતા ક્ષેત્રોનું હબ બની રહ્યું છે. આના કારણે રોજગાર સર્જન અને અન્ય નાના-મોટા ઉદ્યોગોના વિકાસથી GEPની નેમ પાર પડશે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટની પ્રથમ શ્રેણીથી જ જાપાન ગુજરાતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વિઠલાપુર ખાતે હોન્ડાનો ચોથો પ્લાન્ટ શરૂ થતાં આ પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો ઓટોમોબાઇલ પ્લાન્ટ બનશે. જેનાથી ૧૮૦૦ જેટલી નવી રોજગારીનું સર્જન થશે. તેની સાથે આ પ્લાન્ટ મહત્ત્વના નિકાસકાર તરીકે ઊભરી આવશે.

મુખ્યમંત્રીએ બદલાતાં પર્યાવરણીય પરિપ્રેક્ષ્યમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂકીને ઝીરો કાર્બન ઉત્સર્જનના વડાપ્રધાનશ્રીએ આપેલાં સંકલ્પમાં જોડાવાની સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે હોન્ડા કંપનીના પ્રેસિડન્ટ અને સીઈઓ ત્સુત્સુમુ ઓતાનીએ વિઠલાપુર ખાતેના હોન્ડા મોટરસાઇકલના પ્લાન્ટની ચોથી પ્રોડક્શન લાઇનના પ્રારંભની જાહેરાત કરતાં કહ્યું કે ૬.૫૦ લાખ યુનિટની ઉત્પાદનક્ષમતા ધરાવતી આ નવી પ્રોડક્શનલાઇન વર્ષ-૨૦૨૭ સુધીમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ જશે.

પરિણામે, વિઠલાપુર પ્લાન્ટની કુલ ક્ષમતા ૨૬.૧૦ લાખ યુનિટની થતાં આ પ્લાન્ટ વિશ્વનો સૌથી વધુ ઉત્પાદન કરતો પ્લાન્ટ બની જશે. એટલું જ નહીં, આનાથી ૧૮૦૦ જેટલી નવી રોજગારીનું પણ સર્જન થશે. તેમણે એમ પણ કહ્યું કે સંસ્થા કાર્બન ન્યૂટ્રાલિટી વધારવા પર અને અકસ્માતની સંખ્યા ઘટાડવાની તકનીકો પર પણ કંપની કામ કરી રહી છે.

હોન્ડા મોટરસાઇકલના એક્ઝિક્યુટિવ ઓફિસર મિનોરુ કાતોએ કંપનીના પ્રારંભથી અત્યાર સુધીની યાત્રા વિશે માહિતી આપી જણાવ્યું કે વર્ષ-૧૯૪૮માં શરૂ થયા બાદ હોન્ડા કંપની હાલ ૨૩ દેશોમાં ઉત્પાદન કરી રહી છે. વર્ષ-૧૯૮૪થી ભારતમાં કાર્યરત થયા બાદ હાલ કુલ ચાર મુખ્ય પ્લાન્ટ છે. તેમણે કહ્યું કે આજે વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ મોટરસાઇકલના ઉત્પાદનનું સીમાચિહ્ન પ્રાપ્ત કરવામાં ભારતના વપરાશકારોનો ફાળો મહત્ત્વનો છે.

હોન્ડા કંપની દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાત પોલીસને સીબી-૩૫૦ મોડલની ૫૦ ક્યૂઆરટી મોટરસાયકલ પણ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ સુશ્રી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સહિત કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ…

અરવિંદભાઈની આમળાની અધધધ આવક…આઠ પાસ અરવિંદભાઈ કોઈ મલ્ટિનેશન કંપનીના સીઈઓ જેટલી વાર્ષિક આવક મેળવે છે

પ્રાકૃતિક ખેતી – અમદાવાદ જિલ્લો અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘આમદાની અઠન્ની, ખર્ચા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂરને વધાવવા અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રા બાઈક રેલીમાં જોડાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન…

અમદાવાદ ઝોન 6 પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહિયારે પોલીસ પરિવારના બાળકો માટે સ્મર કેમ્પનું આયોજન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: બાળકોનો રચનાત્મક અને સર્વાંગી વિકાસ થાય તેના માટે અમદાવાદ…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *