મુસ્લિમ મૃતકના અવશેષોને દફન કરતી વેળાએ કુરાન શરીફની આયતો વંચાઈ – હિન્દુ મૃતકના અવશેષોની અંતિમ વિધિ સ્મશાનમાં તેમજ અસ્થિ વિસર્જન સાબરમતી નારાયણ ઘાટ ખાતે થયા
અમદાવાદ, સંજીવ રાજપૂત: વિશ્વ આખાને સ્તબ્ધ કરનારી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ક્રેશ સાઇટ ખાતે મળી આવેલા માનવ અંગોની ડી.એન.એ. સેમ્પલ મેચિંગ પ્રક્રિયા બાદ તમામ નશ્વર અવશેષોની ધાર્મિક વિધિ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવી છે.
ડી.એન.એ. સેમ્પલ મેચિંગની પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે, વિક્ષત માનવ અંગોની ડી.એન.એ સેમ્પલ મેચિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી ભવિષ્યમાં તેમના પરિવારજનોના નશ્વર અવશેષો મળી શકે છે.
સેમ્પલ મેચિંગની પ્રક્રિયાને અંતે કુલ ૨૬ જેટલા મૃતકોના મોર્ટલ રીમેન્સ (નશ્વર અવશેષો) મળી આવતા તમામ સંબંધિત પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
૭ પરિવારો તેમના સ્વજનોના અંગો ધાર્મિક વિધિ માટે લઈ ગયા હતા. બાકીના પરિવારોએ હોસ્પિટલ તંત્રને તેમની તરફથી ધાર્મિક વિધિ કરવાનું જણાવ્યું હતું. તેથી કુલ ૧૯ માનવ અંગોની અંતિમ ધાર્મિક વિધિઓ સરકારી તંત્ર કરવામાં આવી હતી.
જે ૧૯ મૃતકોના નશ્વર અવશેષો ની અંતિમ વિધિ કરવાની હતી તેમાંથી એક મુસ્લિમ વ્યક્તિની દફન વિધિ સંપૂર્ણ સન્માન સાથે તેમની ધાર્મિક વિધિ પ્રમાણે મૌલવી દ્વારા કુરાન શરીફની આયત વાંચીને કરવામાં આવી હતી.
અને ૧૮ હિન્દુ મૃતકોના નશ્વર અવશેષોની અંતિમ ક્રિયા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વાડજમાં કરવામાં આવી હતી. ત્યારબાદ, તેમના અસ્થિ સંપૂર્ણ સન્માનપૂર્વક સાબરમતીના નારણ ઘાટ પર વિસર્જિત કરવામાં આવ્યા.
આ સંપૂર્ણ પ્રક્રિયા મૃતકોને યોગ્ય સન્માન આપવા અને તેમના પરિવારજનોને આ દુઃખદ સમયમાં સહયોગ પૂરો પાડવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી.
આ તમામ અંતિમ વિધિ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, HOD ફોરેન્સિક, મેડિકલ ઓફિસર, રેસિડેન્ટ ડૉક્ટર્સ, અને ક્લાસ-૪ સ્ટાફ તેમજ પોલીસ વિભાગ તરફથી ઝોન-૪ ના SP ડૉ. કાનન દેસાઈ અને પાઈ પ્રતિપાલ સિંહ ગોહિલ (નરોડા)ની દેખરેખમાં કરવામાં આવી હતી.