અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રિડેવલપ કરવામાં આવેલા બાલવાટિકાનું લોકાર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ ખાતા હસ્તક આવેલા બાલવાટિકાનું ઉદ્ઘાટન સને ૧૯૫૬માં કરવામાં આવ્યું હતું, બાલવાટિકામાં આવેલી એક્ટિવિટીઓ અત્યારના સમય અનુસાર બાળકોના બૌધ્ધિક અને શારિરીક વિકાસ થઈ શકે એ પ્રકારની બનાવવા બાલવાટિકાનું પીપીપીના ધોરણે રીડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.
બાલવાટિકાનું રિ-ડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન બાદ બાલવાટિકામાં આવનાર બાળકો અને વાલીઓને મનોરંજન માટે વિવિધ એક્ટિવિટીઓનો આનંદ મળશે.
આ બાલવાટિકામાં એન્ટ્રી ટીકીટ સાથે કેટલીક એક્ટિવિટી નિ:શુલ્ક પણ રાખવામાં આવી છે, જેમાં કોઇન હાઉસ, કાચઘર (એ.સી.), શુ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન તેમજ ગ્વોલ સ્ટેશનનો સમાવેશ થાય છે.
આ લોકાર્પણ અવસરે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા બહેન જૈન, અમદાવાદ શહેરના સર્વ ધારાસભ્યઓ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.