ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રભુતામાં પગલાં પાડતા ૧૨ મૂક-બધિર નવદંપતીઓને આશીર્વાદ આપવા ૮માં દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને દિવ્યાંગજનો પ્રત્યેની સહજ સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા.
આ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું આયોજન ગાંધીનગરના સરસ્વતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ મૂક-બધિર શિશુ વિદ્યામંદિર દ્વારા કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ દિવ્યાંગ જનોને સહાયરૂપ થઈને તેમને સ્વમાનભેર જીવતા કરવા માટે તેમની પડખે ઉભા રહેવાની રાજ્ય સરકારની નેમ દર્શાવી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સંત સૂરદાસ યોજના અન્વયે લાભ મેળવવા માટેની દિવ્યાંગ પાત્રતા ૮૦ ટકાથી ઘટાડીને ૬૦ ટકા કરવાની જાહેરાત રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા આ વર્ષના બજેટમાં કરી છે.
આના પરિણામે વધુ ૮૫ હજાર જેટલા દિવ્યાંગ જનોને વાર્ષિક ૧૨ હજારની સહાય સંત સૂરદાસ યોજનામાં મળતી થશે. આ હેતુસર ૧૭૦ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરસ્વતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ૧૯૮૪થી સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યામંદિર શાળાનું સંચાલન કરે છે અને ૧ થી ૧૦ ધોરણમાં ૨૩૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેના સેવાકાર્યની પ્રસંશા કરી હતી.
આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના વિવિધ વર્ગોના દાતાઓ, શ્રેષ્ઠીઓ તથા સંપન્ન વેપાર તથા ઉદ્યોગકારોએ નવદંપત્તિઓને ઘર વપરાશ માટે રાચ-રચીલું અને કપડાં વગેરે ભેટ આપ્યા હતા.
મુખ્યમંત્રીએ આ સખાવતીઓની સમાજ સેવા-ભાવનાને પણ બિરદાવી હતી.
સંસ્થાના મંત્રી અને યુવા અગ્રણી નિશિથ વ્યાસે મુખ્યમંત્રી અને અન્ય મહેમાનોને આવકારીને સ્વાગત પ્રવચનમાં આ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવના સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી.
આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી સાથે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરંગભાઇ વ્યાસ, શહેર પ્રમુખ રુચિર ભટ્ટ અને પૂર્વ મેયર હિતેશ ભાઇ મકવાણા, બી.કે. કૈલાશ દીદી, અગ્રણી કૃષ્ણકાંત જ્હા તથા સેવાવ્રતીઓ અને નવદંપતીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.