અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લા પંચાયત અને આઈસીડીએસ (ICDS) વિભાગ દ્વારા સાણંદ તાલુકાના લેખંબા ગામમાં ધારાસભ્ય કનુભાઈ પટેલના હસ્તે મોડર્ન આંગવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
લેખંબા ગામના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા પૂરક પોષણના લાભ પહોંચી શકે તે માટે ગુજરાત CSR ઓથોરિટી હેઠળ ઇન્ડક્ટોથર્મ કંપની અને માનવસેવા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મોડર્ન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ મોડર્ન આંગણવાડીના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય કનુભાઈ પટેલે કહ્યું હતું કે, ગામનાં બાળકો ગામમાં જ મોડર્ન સુવિધાઓ સાથે શિક્ષણ અને પૂરક પોષણ મેળવી શકે તે માટેની આ ખૂબ જ સારી પહેલ છે. ગામના લોકો અને ભૂલકાંઓને તેનાથી ખૂબ લાભ મળશે, તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
આ આંગણવાડીનું મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના શુદ્ધ પાણી માટે આર.ઓ.ની સુવિધા, બાળકો માટે રમતગમતની સુવિધાઓ અને સાધનો, ખુલ્લી જગ્યા, કિચન ગાર્ડન વગેરે છે. 106 બાળકોને આ આંગણવાડીની સુવિધાનો લાભ મળશે. આ ઉપરાંત 0 માસથી 6 વર્ષનાં બાળકો, ધાત્રી અને સગર્ભા માતાઓ, કિશોરીઓના લાભાર્થે શરૂ કરવામાં આવેલી આ આંગણવાડીથી તે તમામના શારીરિક અને માનસિક વિકાસમાં અને બાળકોના ભવિષ્યના નિર્માણ માટે મદદરૂપ બનશે.
આ કાર્યક્રમમાં સાણંદ ઘટકના સીડીપીઓ સુશ્રી ગાયત્રીબહેન જસાણી, ઇન્ડક્ટોથર્મ ઇન્ડિયાના એમડી નૈષધભાઈ પારેખ, માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનુભાઈ બારોટ, તાલુકા અને ગામના પ્રતિનિધિઓ, આંગણવાડીના મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.