જામનગર, સંજીવ રાજપૂત “૨૫ એપ્રિલ : વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો બાબતે જનજાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉજવણી દ્વારા અત્યારથી જ લોકોમાં મચ્છરજન્ય રોગ અંગે જાગૃતિ આવે અને ચોમાસાની સિઝનમાં ફેલાતા મચ્છર તથા મચ્છરજન્ય રોગોના ઉપદ્રવને નિયંત્રિત કરી શકાય, તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.
શહેરમાં આવેલ ૧૨(બાર) આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્લાનિંગ કરી, અલગ – અલગ, લોક જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આજ રીતે શહેરનાં અલગ – અલગ વિસ્તારોમાં લોકોને એકત્રિત કરી, શિબિર યોજી આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો તથા મચ્છરની ઉત્પત્તિને નિયંત્રિત કરી શકાય તે માટે તારીખ 22/4 થી 30/4 સુધી હાઉસ ટુ હાઉસ અબેટ કામગીરીનો રાઉન્ડ યોજવામાં આવી રહ્યો છે, આ રાઉન્ડ અંતર્ગત 24/04 સુધીમાં ૩૮,૮૧૮ ઘરોની મુલાકાત લેવામાં આવી, આ ઘરોમાંથી ૭૨૫ ઘરોમાં મચ્છરના પોરા જોવા મળેલ. આ ઘરોમાંના ૨,૨૭,૫૧૩ જેટલા પાત્રોની ચકાસણી કરવામાં આવેલી, આ પાત્રોમાંથી ૭૨૫ પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળેલ. આ પાત્રો પૈકી ૭૨૫ પાત્રોમાંથી પોરાનો નાશ કરેલ તથા અન્ય પાત્રોમાં પોરા નાશક કામગીરી કરવામાં આવેલ. આ સર્વે દરમિયાન સામાન્ય તાવના ૫૬૮ કેસ મળી આવેલ, જેને યોગ્ય સારવાર આપવામાં આવેલ. આજ રીતે શહેરમાં દૈનિક ધોરણે ૧૩,૦૦૦ જેટલા ઘરોનું સર્વે કરવામાં આવી રહ્યો છે.
આજ રીતે દરેક આરોગ્ય કેન્દ્ર પર આવતા શહેરીજનોને પણ આ બાબતે વાકેફ કરવામાં આવી રહ્યા છે.
મચ્છરોની ઉત્પત્તિની અટકાયત અંગે શહેરીજનો દ્વારા નીચે દર્શાવ્યા મુજબની તકેદારી રાખવામાં આવે તો મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે. જેમાંપાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા. પાણીની ટાંકી, ફૂલદાની, પક્ષીકુંજ, કુલર, ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ ન રહે, તે રીતે સફાઈ જાળવો. ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાઈ નહી, તેથી આવી તમામ વસ્તુઓનો નિકાલ કરો.