અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દુર કરવા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે સખ્તાઈથી કાર્યવાહી શરુ કરી છે, બીજી તરફ શાળાઓમાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમોના પાલન વિષે જાગ્રુત કરવા એક નઈ સોચ પ્રોજેક્ટ શરુ કર્યો છે.
આ પ્રોજેકટ અંતર્ગત બાળકો હવે તેમના માતા પિતાને હેલ્મેટ પહેરવા,સીટ બેલ્ટનો ઉપયોગ કરવા,વાહનો રોંગ સાઈડમાં ન ચલાવવા તથા ટ્રાફિક નિયમનું સખ્ત પાલન કરવા ફરજ પાડશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા શરુ કરાયેલા અત્યંત મહત્વપુર્ણ એક નઈ સોચ પ્રોજેક્ટ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન મોટેરા નરેન્દ્રમોદી સ્ટેડીયમ રોડ પર આવેલી સ્વસ્તિક સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.
સ્કુલના શિસ્તબધ્ધ બાળકોએ અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર એન.એન.ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. પોલીસ યુનિફોર્મમાં શિસ્તબધ્ધ રીતે ઉભા રહેલા બાળકોએ જેસીપીને સેલ્યુટ કરી હતી.જેસીપી ચૌધરી પણ ગદ્દગદીત થઈ ગયા હતા
અને તેમણે પણ બાળકોને સેલ્યુટ કરી હાથ મિલાવ્યા હતા. તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો કે તમારા માતાપિતા હેલ્મેટ ન પહેરે તો વાહન પર બેસવું નહીં,બાળકોએ જ માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડવી જોઈએ.
આ સ્વસ્તિક સ્કુલના સંસ્થાપક સુરેશ પટેલ, ટ્રાફિક વિભાગના ડીસીપી નીતાબેન દેસાઈ, એસીપી એસ જે મોદી, ડિવિઝનના પીઆઇઓ અને સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત તેઓએ ટ્રાફિક નિયમને અનુસરવા શપથ લીધા હતા.