અમદાવાદ, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાંદલોડિયા- B રેલ્વે સ્ટેશન ખાતે ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર’નું ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન ચાંદલોડિયા – B રેલ્વે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના દરભંગાથી દેશમાં એકસાથે 18 ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો’નું ઈ – લોકાર્પણ કર્યું હતું, જેનું જીવંત પ્રસારણ અમદાવાદ ચાંદલોડિયા B રેલ્વે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈને ઉપસ્થિત તમામ લોકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, અમદાવાદ ચાંદલોડિયા B રેલવે સ્ટેશન સહિત 18 રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરાઈ છે.
જે બદલ આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ અને દેશ આ પ્રકારની ઉમદા કામગીરી બદલ આજે ગૌરવ અનુભવી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર’ થકી લોકોને ખૂબ જ નજીવા દરે ગુણવત્તાયુક્ત દવા પ્રાપ્ત થશે, જેથી લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.
આજે દેશમાં 13,822 ‘પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર’ કાર્યરત છે, અને સરકાર દ્વારા હજુ પણ તેમાં વધારો આવી રહ્યો છે તે આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે, તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે શ્રીમતી પ્રતિભાબહેન જૈન દ્વારા મહિલા પોલીસકર્મીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સાબરમતીના ધારાસભ્ય હસમુખભાઈ પટેલે કર્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ મંડલના રેલવે પ્રબંધક અને DRM સુધીરકુમાર શર્મા, સિનિયર DCM શ્રી અનુ ત્યાગી તેમજ રેલવેના વિવિધ વિભાગના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.