અમદાવાદ, સંજીવ રાજપૂત: એર માર્શલ નાગેશ કપૂર, PVSM AVSM VM એ 01 મે 2025 ના રોજ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમના આગમન પર, તેમને ગાંધીનગર સ્થિત SWACના હેડક્વાર્ટર ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓ એર માર્શલ નર્મદેશ્વર તિવારી, PVSM AVSM VM ના અનુગામી બનશે, જેમણે વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
એર માર્શલે ડિસેમ્બર 1985માં રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમીમાંથી સ્નાતકની પદવી મેળવી છે અને 6 ડિસેમ્બર 1986ના રોજ IAFમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ ખૂબ જ અનુભવી ફાઇટર પાઇલટ, ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને ફાઇટર કોમ્બેટ લીડર છે, જેમણે વિવિધ પ્રકારના કોમ્બેટ અને ટ્રેનર એરક્રાફ્ટ ઉડાવ્યા છે. તેમણે મિગ-21 અને મિગ-29ના તમામ પ્રકારો ઉડાવ્યા છે અને 3400થી વધુ કલાકોની ઉડાનનો અનુભવ ધરાવે છે. તેઓ ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે.
તેમની ઉજ્જવળ કારકિર્દી દરમિયાન, તેમણે અનેક ક્ષેત્ર અને સ્ટાફ નિયુક્તિઓ પર સેવા આપી છે. તેમના કાર્યકાળમાં સેન્ટ્રલ સેક્ટરમાં ફાઇટર સ્ક્વૉડ્રનના કમાન્ડિંગ ઓફિસર, પશ્ચિમી ક્ષેત્રમાં ફ્લાઇંગ બેઝના સ્ટેશન કમાન્ડર અને એક પ્રીમિયર એર બેઝના એર ઓફિસર કમાન્ડિંગ તરીકે સેવા આપવાનો સમાવેશ થાય છે. તેમણે ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટિંગ સ્ટાફ અને એર ફોર્સ એકેડેમીમાં ચીફ ઇન્સ્ટ્રક્ટર (ફ્લાઇંગ) તરીકે પણ સૂચનાત્મક કાર્યકાળ પૂરો કર્યો છે, જે દરમિયાન તેમણે ભારતીય વાયુસેનામાં PC-7 MK II વિમાનના ઇન્ડક્શન અને પરિચલાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમણે પાકિસ્તાનમાં ડિફેન્સ એટેચી તરીકે પણ સેવા આપી છે.
વરિષ્ઠ સ્ટાફ તરીકે થયેલી તેમની નિયુક્તિઓમાં એર હેડક્વાર્ટરમાં આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ ઓપરેશન્સ (વ્યૂહરચના), દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડમાં એર ડિફેન્સ કમાન્ડર, સેન્ટ્રલ એર કમાન્ડ હેડક્વાર્ટરમાં સિનિયર એર સ્ટાફ ઓફિસર અને એર હેડક્વાર્ટરમાં એર ઓફિસર-ઇન-ચાર્જ પર્સનલ તરીકેની નિયુક્તિનો સમાવેશ થાય છે.
એર માર્શલે SWACના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પહેલાં, ટ્રેનિંગ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હતા. એર માર્શલે આપેલી વિશિષ્ટ સેવાઓ બદલ, તેમને 2008માં વાયુ સેના મેડલ, 2022માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને 2025માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.