અમદાવાદ, સંજીવ રાજપૂત: રક્ષાબંધનના પવિત્ર પર્વે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્રેમ અને કરુણાના હ્રદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે બિનવારસી દર્દીઓને રાખડી બાંધી ભાઈ-બહેનના સ્નેહનું અનોખું બંધન જોડ્યું હતું. મીઠાઈ વહેંચી અને સ્નેહભરી વાતો સાથે દર્દીઓના ચહેરા પર ખુશીના ચમકતા ભાવ ઝળકી ઉઠ્યા હતા. સિવિલ હોસ્પિટલ સ્ટાફથી લઈને રોગી કલ્યાણ સમિતિના સભ્યો સુધી સૌએ આ કાર્યક્રમમાં ભાગ લઈને માનવીય મૂલ્યોને જીવંત બનાવ્યા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પર્વે જ્યાં બહેન ભાઈના હાથ પર રાખડી બાંધી તેની દીર્ઘ આયુષ્ય અને સુખાકારીની પ્રાર્થના કરે છે, ત્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બિનવારસી દર્દીઓ જેઓને તેમના પરિવારના સ્નેહનો સ્પર્શ નથી તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદના નર્સિંગ સ્ટાફ દ્વારા રાખડી બાંધવાનો એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રક્ષાબંધન પર્વ નિમિત્તે સિવિલ હોસ્પિટલ અમદાવાદના નર્સિંગ સુપ્રીન્ટેન્ડેન્ટ રોમાંચ ઉપાધ્યાય, આનંદી ચૌધરી, અમદાવાદ નર્સિંગ યુનિયનના પ્રેસિડેન્ટ દેવીબેન દાફડા અને બિનવારસી વોર્ડના ઇન્ચાર્જ સિસ્ટર ધર્મિષ્ઠા રાઠોડ, ઉન્નતી પટેલ, સપના પટેલિયા તેમજ સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિના સભ્ય પ્રવિણસિંહ દરબાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત બિનવારસી મહિલા દર્દીઓના હાથે હોસ્પિટલના પુરુષ સ્ટાફ ભાઈ બની રાખડી બંધાવી હતી. જ્યારે પુરુષ દર્દીઓને હોસ્પિટલના મહિલાના સ્ટાફ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.
આમ, બીનવારસી દર્દીઓને રાખડી બાંધી, મીઠાઈ ખવડાવતા આ પળ દર્દી ઓના ચહેરા પર ખુશીનો ભાવ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. તબીબી સારવાર સાથે માનસિક સપોર્ટ અને લાગણી તેમજ હુંફનું પણ મહત્વ સમજીને સ્ટાફે આ પ્રસંગે યાદગાર બનાવ્યો હતો.