રિપોર્ટ: અનુજ ઠાકર
અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ઇસ્કોન મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીનો તહેવાર ભવ્યતા અને શ્રદ્ધાભાવે ઉજવશે. તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાનારા આ મહામહોત્સવ માટે દેશ-વિદેશમાંથી આશરે ૯૦૦ કિલો ફૂલો મંગાવવામાં આવ્યા છે.
દર વર્ષે બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીશ્રી રાધા ગોવિંદજીના દર્શન કરવા મંદિર પરિસરમાં ઉમટી પડે છે. આ વર્ષે ગર્ભગૃહની શોભા વધારવા થાઈલેન્ડના પાંચ રંગના ઓર્ચિડ, સાઉથ આફ્રિકાના ત્રણ પ્રકારના એન્થોરિયમ, સાથે કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા, ડેજી અને અનેક પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે. આ ફૂલોથી મોર, ગરુડ, શંખ, કમળ અને ધનુષ જેવી આકર્ષક આકૃતિઓ તૈયાર થશે.
ભક્તોને સરળતાથી દર્શન મળી રહે તે માટે સુવ્યવસ્થિત કતાર, પૂરતી પાર્કિંગ અને ડિજિટલ સ્ક્રીન દ્વારા લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના તેમજ અન્ય સ્થળના ભક્તો માટે ફેસબુક અને યુ-ટ્યૂબ પર આરતી અને મહાઅભિષેકનું પ્રસારણ થશે.
મહામહોત્સવના કાર્યક્રમો સવારે ૪:૩૦ વાગ્યે મંગળા આરતીથી શરૂ થશે. ૭:૩૦ વાગ્યે વિશેષ વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ શ્રૃંગાર દર્શન ખુલશે. બાદમાં કૃષ્ણ કથા, અખંડ હરે કૃષ્ણ મહામંત્ર ધૂન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રાત્રે ૧૧:૩૦ વાગ્યે પંચામૃત, કેસર, ગંગાજળ અને ફળોના રસોથી મહાઅભિષેક થશે અને ૧૨:૩૦ વાગ્યે મહાઆરતી સાથે ઉત્સવની પરાકાષ્ઠા થશે. ભગવાનને ૬૦૦થી વધુ દેશી-વિદેશી વાનગીઓ અર્પણ કરવામાં આવશે અને પ્રસાદનું વિતરણ થશે.
જન્માષ્ટમીના બીજા દિવસે, નંદોત્સવ પ્રસંગે, ૧૦,૦૦૦ ભક્તો માટે ભંડારા-પ્રસાદનું આયોજન છે. સાથે જ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીના ૧૨૮મા આવિર્ભાવ દિનની ઉજવણી પણ ભક્તિભાવથી કરવામાં આવશે.
આ ભવ્ય મહામહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ ભક્તિ, સાંસ્કૃતિક પરંપરા અને ભારતીય આધ્યાત્મિક વારસાની અનોખી ઝલક છે.