અમદાવાદ, એબીએનએસ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે ‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત અને પ્રખર વિદ્વાન ગૌતમભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘આદિ શંકર સમગ્ર’ (૧૫ ગ્રંથોની શ્રેણી)નું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે ભારતીય સંસ્કૃતિમાં આદિ શંકરાચાર્યના પ્રદાન અને સસ્તું સાહિત્ય સંસ્થાના પુનરુત્થાન અંગે મહત્ત્વપૂર્ણ વિગતો આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાઓ માટે આંગળીના ટેરવે મળતું થયું છે, સસ્તું સાહિત્ય દ્વારા ‘આદિ શંકર સમગ્ર’ ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સાહિત્ય માટે મોટી ઘટના છે.
તેમણે જણાવ્યું હતું કે,૧૧૭ વર્ષ જૂની સ્વામી અખંડાનંદની સંસ્થા ‘સસ્તું સાહિત્ય’ ફરી બેઠી થઈ છે. આગામી ૫૦ વર્ષ સુધી ઉત્કૃષ્ટ સાહિત્ય પીરસતી રહેશે. આ માટે ગૌતમભાઈ પટેલે આદિ શંકરના જ્ઞાનસાગરને ગુજરાતીમાં ઉતારીને ગુજરાતના વાચકો પર મોટું ઋણ ચડાવ્યું છે.
આદિ શંકરાચાર્ય સનાતન ધર્મના પુનરુદ્ધારક છે, તેમ જણાવી શાહે કહ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું ૩૨ વર્ષનું ટૂંકું આયુષ્ય શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. તેમણે માત્ર ૮ વર્ષની ઉંમરે વેદોનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૨ વર્ષની ઉંમરે શાસ્ત્રજ્ઞ બની ગયા હતા. તેમણે ભારતની ચાર દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરીને માત્ર ધાર્મિક કેન્દ્રો જ નહીં, પરંતુ વેદ-ઉપનિષદોના સંરક્ષણ માટેના વિશ્વવિદ્યાલયો ઊભાં કર્યાં.
ગૃહમંત્રીએ ઉમેર્યું કે, “આજે આપણે ગંગા, યમુના કે નર્મદાની જે પૂજા પદ્ધતિ અને શ્લોકો બોલીએ છીએ, તેના રચયિતા આદિ શંકરાચાર્ય છે.”
ગૌતમભાઈ પટેલના પુરુષાર્થની પ્રશંસા કરતા શાહે કહ્યું કે, સંસ્કૃતમાં રહેલો આદિ શંકરનો જ્ઞાનસાગર હવે માતૃભાષા ગુજરાતીમાં ઉપલબ્ધ થયો છે, જે ગુજરાતની નવી પેઢી માટે મોટી ઘટના છે. તેમણે ખાસ કરીને યુવાનોને ‘વિવેક ચૂડામણિ’ અને ‘ભજ ગોવિંદમ’ જેવા ગ્રંથો વાંચવા આગ્રહ કર્યો હતો સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારાં ૫૦ વર્ષોમાં જ્યારે સાહિત્યની ચર્ચા થશે, ત્યારે આ ગ્રંથાવલીના પ્રકાશનને સુવર્ણ અક્ષરે યાદ કરવામાં આવશે.
સ્વામી અખંડાનંદજી દ્વારા ૧૧૭ વર્ષ પહેલાં સ્થાપિત ‘સસ્તું સાહિત્ય’ સંસ્થા વિશે વાત કરતા શાહે ભાવુકતા સાથે જણાવ્યું કે, “મારા દાદા કહેતા કે અખંડાનંદનું સાહિત્ય વાંચજો, તેનાથી ઘરમાં શુભ આવશે.” તેમણે ખાતરી આપી હતી કે જે સંસ્થા એક સમયે મૃતઃપ્રાય સ્થિતિમાં હતી, તેને ફરી જીવંત કરવામાં આવી છે. માર્ચ ૨૦૨૫માં જ ટ્રસ્ટ દ્વારા ૨૪ જૂના પુસ્તકોની નવી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે, જેને વાચકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.
સંઘના અગ્રણી સુરેશ સોની અને સંપાદક ગૌતમભાઈ પટેલના યોગદાનને વર્ણવતા તેમણે કહ્યું કે, આ ભગીરથ કાર્ય પાછળ સુરેશ સોનીજીના માર્ગદર્શન અને સતત ફોલોઅપને આભારી છે, સાથે તેમણે ગૌતમભાઈ પટેલને સંસ્કૃત સેવા માટે સમર્પિત વ્યક્તિત્વ ગણાવ્યા હતા.
કાર્યક્રમના અંતે શાહે લાઇબ્રેરી સાથે જોડાયેલા લોકોને અને સાહિત્ય પ્રેમીઓને વિનંતી કરી હતી કે, આ સરળ ગુજરાતી અનુવાદ વધુમાં વધુ યુવાનો અને કિશોરો સુધી પહોંચે, જેથી તેમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય તે માટે અપીલ કરી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ સોનીએ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું સમગ્ર વાંગ્મય સંસ્કૃતમાં તો ઉપલબ્ધ હતું, પરંતુ ભારતીય ભાષાઓના ઇતિહાસમાં આ પ્રથમ છે, જ્યારે લોકભાષામાં અને ખાસ કરીને ગુજરાતીમાં આટલી વિશાળ ગ્રંથાવલીનું ભાષાંતર થઈને જનતા સમક્ષ આવ્યું છે.
તેમણે સસ્તું સાહિત્ય વર્ધક ટ્રસ્ટ અને ડૉ. ગૌતમ પટેલના અથાગ પરિશ્રમને બિરદાવતા કહ્યું કે, ભિક્ષુ અખંડાનંદજીની જે જ્ઞાન પ્રસારની પરંપરા હતી, તેમાં આ ૧૫ ગ્રંથોનું પ્રકાશન એક સુવર્ણ અધ્યાય સમાન છે, જે જનસામાન્ય માટે જ્ઞાનના દ્વાર ખોલશે.
સોનીએ આદિ શંકરાચાર્યના જીવન અને કાર્ય પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, માત્ર ૩૨ વર્ષના અલ્પ આયુષ્યમાં તેમણે સમગ્ર ભારતની પરિક્રમા કરી જે સાંસ્કૃતિક એકતાનું અદ્ભુત ઉદાહરણ છે. જ્યારે દેશમાં સંવાદનાં સાધનો નહોતાં, ત્યારે પહાડો અને નદીઓ ઓળંગીને ચારેય દિશાઓમાં પીઠની સ્થાપના કરવી એ સાબિત કરે છે કે તેમની દૃષ્ટિમાં અખંડ ભારતનો વિચાર હજાર વર્ષ પહેલાં પણ જીવંત હતો તેમ જણાવી તેમણે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે કરેલાં કાર્યો આજે પણ આપણને રાષ્ટ્રીય એકતાની પ્રેરણા આપે છે, તેવું કહ્યું હતું.
તેમણે આ પ્રસંગે શંકરાચાર્યના અદ્વૈત સિદ્ધાંતને માત્ર દાર્શનિક ચર્ચા નહીં પણ જીવન પદ્ધતિ ગણાવી હતી.
સોનીએ પૂર્વ અણુ આયોગના અધ્યક્ષ રાજા રમન્નાના લેખનો ઉલ્લેખ કરતા સમજાવ્યું કે, વિજ્ઞાન જ્યારે પદાર્થની અંતિમ અવસ્થા શોધવા નીકળે છે ત્યારે તે ઊર્જા અને શક્તિ સુધી પહોંચે છે, પરંતુ આ જ ‘એકત્વ’નો વિચાર શંકરાચાર્યએ સદીઓ પહેલા બ્રહ્મના રૂપમાં આપ્યો હતો. જ્યારે આધુનિક વિજ્ઞાન પોતાની મર્યાદાઓ સુધી પહોંચશે, ત્યારે તેને આદિ શંકરાચાર્યના ‘પ્રજ્ઞા સાહિત્ય’ની શરણમાં આવવું પડશે કારણ કે તે ત્રિકાળજ્ઞાની છે.
વક્તવ્યના અંતે તેમણે જણાવ્યું કે વર્તમાન સમયના સંઘર્ષોની સમસ્યાઓનું નિરાકરણ શંકરાચાર્યના અદ્વૈત દર્શનમાં છુપાયેલું છે. ‘યુનિટી ઇન ડાયવર્સિટી’ (વિવિધતામાં એકતા)ના બદલે ‘યુનિટી મેનિફેસ્ટેડ ઇન ડાયવર્સિટી’ (એકતા જ વિવિધતામાં પ્રગટ થાય છે) નો વિચાર અપનાવવાની જરૂર છે. તેમણે ચાર સૂત્રો આપ્યા: રૂપ અનેક-ઈશ્વર એક, પંથ અનેક-ગંતવ્ય એક, ભાષા અનેક-ભાવ એક અને વ્યવસ્થા અનેક-ધારણા એક. જો આ દૃષ્ટિકોણ કેળવવામાં આવે તો ભાષા, પૂજા પદ્ધતિ અને સામાજિક ભેદભાવોના વિવાદો આપોઆપ શમી જશે.
આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીના ભાગ ૦૧થી ૧૫ ગ્રંથોનું વિમોચનના સંપાદક ગૌતમ પટેલે તેમના મંતવ્યો જણાવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, હર્ષદભાઇ શાહ,પરેશભાઈ અમીન, પ્રકાશભાઈ લાલા સહિત ટ્રસ્ટીગણ, સ્થાનિક સાંસદઓ,ધારાસભ્ય,અગ્રણી પદાધિકારીઓ,સાહિત્ય રસિકો તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
















