અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરામાં ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.
રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, રમતગમત રાજયમંત્રી હર્ષ સંઘવી તથા મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા.
દેશના ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ખેલકૂદ સ્પોર્ટ્સ ભારતનો આત્મા છે. રમતગમતની શરૂઆત ભારતમાં થઈ હતી અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે ત્યારે ખેલકૂદ ક્ષેત્રમાં અવ્વલ સ્થાને રહેવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ.
તેમણે કહ્યું કે, દેશમાં ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર- તાલીમ- સિલેક્સનમાં પારદર્શિતા – સારા પર્ફોર્મરને વિશ્વ રમતોમાં દેશના પ્રતિનિધિત્વની તક જેવા મોટા બદલાવો સ્પોર્ટ્સ ક્ષેત્રે વડાપ્રધાનના નેતૃત્વમાં આવ્યા છે. પાછલા ૧૦ વર્ષમાં ભારતના સ્પોર્ટ સેક્ટરનું પરિદ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ આધુનિક વિશાળ અને પરિપૂર્ણ છે. લોકાર્પણ પહેલાં જ બે મોટી સ્પર્ધાઓ અહીં યોજાઇ ચૂકી છે. અહીં રમવા આવેલા દેશ વિદેશના ખેલાડીઓ, તેમના ખેલકૂદ મંડળોના અધ્યક્ષોએ પ્રતિભાવ આપ્યો છે કે, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધાઓ વર્લ્ડ ક્લાસ છે, આધુનિક છે.
મંત્રીએ અમદાવાદના નારણપુરા સ્થિત સ્પોર્ટ કોમ્પ્લેક્સને સ્વાતંત્ર સેનાની વીર સાવરકરનું નામ આપવા સંદર્ભે જણાવ્યું કે, મહાન સ્વાતંત્ર વીર સાવરકર ખૂબ જ માહેર તરવૈયા હતા. અંગ્રેજોની ચુન્ગાલ માંથી છૂટવા તેઓ આગબોટમાંથી બેડીઓ સાથે કૂદીને, દરિયો ઓળંગીને ફ્રાન્સ પહોંચ્યા હતા.
અંગ્રેજ શાસિત ભારત ના ઇતિહાસ માં ૧૨૦ વર્ષની બેવડી જનમટીપની સજા મેળવનારા એકમાત્ર ક્રાંતિવીર સાવરકર અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે સતત લડ્યા છે. ૧૮૫૭ ના સંગ્રામને અંગ્રેજોએ સૈનિક બળવો ગણાવ્યો હતો, પરંતુ વીર સાવરકરે આને સ્વાતંત્ર સંગ્રામ ગણાવ્યો હતો. એવા વીર સાવરકરને આ સ્પોર્ટ સંકુલ સમર્પિત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અહીં જે પણ ખેલાડી રમવા આવશે તે પોતાના માટે નહીં પરંતુ તેના દેશ માટે મેડલ જીતવાની આશા સાથે આવશે. વીર સાવરકર સ્પોર્ટ સંકુલ, આવા ખેલાડીઓને યથાર્થ પ્રેરણા આપશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ દેશની ખેલકૂદ રાજધાની, સ્પોર્ટ્સ કેપિટલ બનશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા આધુનિક સંકુલોથી રમત ગમતની પૂરતી સુવિધાઓ વિકસી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ૧૦ વર્ષ પહેલાં UPA સરકારમાં ખેલકૂદ વિભાગનું બજેટ ૧૬૪૩ કરોડ હતું જે વધીને હવે ૫૩૦૦ કરોડ થયું છે. ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધાઓના માધ્યમથી ખેલાડીઓનું પર્ફોર્મન્સ, ન્યુટ્રીશન ચિકિત્સા, ઇંજરી વગેરેનું ધ્યાન રખાય છે. દેશમાં નવું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, પેરાગેમ્સ અને વિન્ટર ગેમ્સ પણ યોજાય છે. નવી ખેલ નીતિ સ્પોર્ટ્સ પોલીસી પણ આપણે લાવ્યા છીએ.
સ્પોર્ટ પોલિસીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતના ખેલાડીઓને વૈશ્વિક મંચ મળે, ખેલકુદના માધ્યમથી આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ થાય, ખેલકૂદ એક જનઆંદોલન બને તેમ જ શિક્ષણ અને રમતગમતનું એકીકરણ થાય તેવા પાંચ પિલર્સ ઉપર નવી સ્પોર્ટ્સ પોલીસી આધારિત છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી એ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની સરકાર આવ્યા પછી દેશના ખેલાડીઓનું ઓલમ્પિક, કોમનવેલ્થ અને વિન્ટર ગેમ્સમાં પર્ફોર્મન્સ વધુ ઉત્કૃષ્ટ બન્યું છે.
આ અંગે વધુ વિગતો આપતા મંત્રી એ કહ્યું કે, ૧૯૪૭ થી ૨૦૧૨ સુધીમાં તમામ ઓલમ્પિકમાં ભારતને ૨૦ ગોલ્ડ મેડલ મળ્યા હતા જ્યારે પાછલા ૮ વર્ષમાં ૧૫ ઓલમ્પિક મેડલ મળ્યા છે. પેરા ઓલમ્પિકમાં ૮ મેડલ મળ્યા હતા, મોદી સરકાર આવ્યા પછી ૫૨ મેડલ મળ્યા છે. ડેફ ઓલમ્પિકમાં બે મેડલ મળ્યા હતા, હવે ૨૨ મળ્યા છે.
તેમણે ઉમેર્યું કે, ૨૦૨૯માં અમદાવાદમાં પોલીસ અને ફાયર વિભાગના જવાનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થવાની છે. ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાય તે માટેની મંજૂરી ટૂંક સમયમાં મળે તેવી સંભાવના છે. અને ૨૦૩૬ માં ઓલમ્પિક પણ અમદાવાદમાં રમાય તે માટે સરકાર કટિબધ્ધ છે.
આ પ્રસંગે અમિતભાઈ શાહે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સની અત્યાધુનિક સુવિધાઓનો ચિતાર પણ આપ્યો હતો.
મંત્રીએ પોતાના મતવિસ્તાર અને પોતાના વોર્ડમાં નિવાસસ્થાનથી નજીક જ અધ્યાધુનિક રમતગમત સંકુલ આકાર પામ્યું છે તેની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને અહીંની ૨૧ એકર જમીનમાં આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બને તેની મંજૂરી માટે વિનંતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તેવા આગ્રહ સાથે મંજૂરી આપી હતી, જે આ અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણથી પૂર્ણ થઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ અને ગુજરાતને આજે વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સ સંકુલની ભેટ મળી રહી છે. સંવિધાનનું ૭૫મું વર્ષ અને દેશમાં હિન્દી દિવસની ઉજવણીના અવસરે અમદાવાદમાં ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું સંકુલ ગુજરાતને રમતગમત ક્ષેત્રે નવી દિશા આપશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કહે છે કે, “દરેક ક્ષેત્રમાં વિકાસ અને વિકાસ માટે રમતગમત આગવું મહત્વ ધરાવે છે.” આપણા ગ્રંથોમાં પણ કૌશલ્ય વિકાસનો ઉલ્લેખ છે. રમતગમતની આપણી વિરાસત સંખ્યાબંધ ઉદાહરણોની સાક્ષી છે. આપણા આ વારસાને વડાપ્રધાનશ્રીએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના ધ્યેય સાથે આધુનિક ઓપ આપ્યો છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
દેશમાં નેશનલ સ્પોર્ટ્સ પોલીસી અને તેને પગલે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસી હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ ૨૦૨૫ અને નેશનલ એન્ટી ડોપિંગ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫ પસાર કરીને ખેલાડીઓના હિતોના રક્ષણનું પગલું ભરવામાં આવ્યું છે, આ જ બાબત પુરવાર કરે છે કે દેશમાં રમતગમત પર વિશેષ ધ્યાન અપાયું છે. આપણા ખેલાડીઓ પણ વૈશ્વિક સ્તરે તેમનું કૌશલ્ય ઝળકાવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ઓલિમ્પિક રમતોની યજમાની માટે અમદાવાદ સજ્જ બન્યું છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ અમદાવાદ સમર્થ બન્યું છે લોકાર્પિત થયેલું સ્પોર્ટ્સ સંકુલ રાજ્યના ખેલાડીઓ માટે એક મહત્વનું પ્લેટફોર્મ પુરવાર થશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં ઉભરતા સ્પોર્ટ્સ કલ્ચરનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર સતત વિકાસ પામી રહ્યું છે.
રાજ્યમાં રમતગમત ક્ષેત્રે માળખાગત સુવિધાઓ અનેકગણી વધી છે. બે દાયકામાં રાજ્યના સ્પોર્ટ્સ બજેટમાં અનેકગણો વધારો થયો છે. આજે રાજ્યનું સ્પોર્ટ્સ બજેટ ₹૪૮૬ કરોડનું છે. જેના પરિણામે આજે રાજ્યના ૨૧ જિલ્લાઓમાં ૨૩ રમતગમત સંકુલો કાર્યાન્વિત થયા છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ પાસે ૨૩૩ એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે. દિવ્યાંગ રમતવીરો માટે પેરા એથ્લિટ હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બની રહ્યું છે. આ બાબત પુરવાર કરે છે કે રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાથે જ, વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’, સ્વદેશીને પ્રોત્સાહન જીએસટી રીફોર્મ્સ જેવા સ્તુત્ય પગલાઓને પણ મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા.
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગને ગૌરવપૂર્વક ક્ષણ ગણાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે નવું ભારત એટલે કે ‘વિકસિત ભારત, સમૃદ્ધ ભારત’નું નિર્માણ થઈ રહ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશમાં રમતગમત ક્ષેત્રે અનેક સકારાત્મક પગલાંઓ લેવાયા, જેને લીધે ભારત આજે ખેલકૂદ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના સ્વપ્ન ‘વિકસિત ભારત’ની સંકલ્પનામાં રમતગમત ક્ષેત્રે થયેલ વિકાસકાર્યો મહત્વના બની રહેશે એમ કેન્દ્રીય રમતગમત મંત્રીએ ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, નવનિર્મિત સ્પોર્ટ્સ પોલિસીના માધ્યમથી મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનું નિર્માણ કરાયું છે જે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં મહત્વનું બની રહ્યું છે.
માંડવિયાએ જણાવ્યું હતું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ આગામી દિવસોમાં ખેલાડીઓના સપના અને મેડલનું સાક્ષી બનવાનું છે.
વિશ્વ કક્ષાના રમતગમત સંકુલના લોકાપર્ણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા રમતગમત રાજયમંત્રી હર્ષ સંઘવીએ સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે એક અનમોલ ભેટ સ્વરૂપ આ ભવ્ય અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાત અને દેશને આપ્યું છે.
હર્ષભાઈ સંઘવીએ વધુમાં વાત કહ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલાં જ્યારે આ કોમ્પ્લેક્સનો પાયો નાખવામાં આવ્યો ત્યારે અમિતભાઈ શાહે વચન આપ્યું હતું કે ત્રીસ મહિનાની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ જશે. તેમણે સતતપણે આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના નિર્માણ કાર્યમાં રસ દાખવીને તેની કામગીરીની સતત સમીક્ષા કરી છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના નિર્માણ થકી દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.
હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું હતું કે, દેશના ઇતિહાસમાં પહેલી જ વાર એવું બન્યું છે કે કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સત્તાવાર લોકાર્પણ પહેલાં જ તેમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજાઈ છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ સફળતાપૂર્વક આયોજિત થઈ હતી અને આવનારા સમયમાં અહીં એશિયન એક્વેટિક્સ કોમ્પિટિશનનું પણ આયોજન થવાનું છે, જેમાં વિવિધ દેશોના અંદાજે ૧૨૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નારણપુરા ખાતે નિર્માણ પામેલું વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં એક્વેટિક્સ સ્ટેડિયમ, સ્પોર્ટ્સ સેન્ટર ઓફ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, કોમ્યુનિટી સ્પોટ્સ સેન્ટર, આઉટડોર કોર્ટ અને ફિટ ઇન્ડિયા ઝોન જેવા વિવિધ વિભાગોમાં અનેકવિધ રમતો, તેના કોચિંગ, પ્રેક્ટિસ, સહિત નાગરિકો અને ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ, યોગા અને ફિટનેસ એક્ટિવિટીઝ માટે અનેકવિધ સુવિધાઓ અને અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાપર્ણ પ્રસંગે રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન અને બાબુભાઈ દેસાઈ, લોકસભા સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યઓ, કેન્દ્રીય રમતગમત સચિવ હરિરંજન રાવ, રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી સંદીપ સાંગલે, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સ્થાનિક કાઉન્સિલરઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, કોચઓ, રમતગમતના ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.