અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત “વિશ્વ નવકાર મહામંત્ર દિવસ” નિમિત્તે, ભારતીય ડાક વિભાગ દ્વારા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરવામાં આવ્યું.
ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે મુખ્યમંત્રીને વિશેષ આવરણની પ્રથમ નકલ ભેટ આપી. આ વિશેષ આવરણ પર ‘ભગવાન પાર્શ્વનાથના 2800મા નિર્વાણ કલ્યાણક’ વિષય પર બહાર પડેલ ડાક ટિકિટ ચોંટાડીને અનોખી રીતે વિરૂપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન જૈન સમુદાય દ્વારા વિશ્વ શાંતિ અને અહિંસાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું. આ દરમિયાન સવારે 8:01 થી 9:36 વાગ્યા સુધી 25 હજારથી વધુ લોકોએ સામૂહિક રીતે નવકાર મંત્રનો જાપ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાંથી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધિત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ નવકાર મંત્રનો પોતાનો ઊંડો આધ્યાત્મિક અનુભવ શેર કર્યો અને મનમાં શાંતિ અને સ્થિરતા લાવવાની તેની ક્ષમતા વિશે ચર્ચા કરી.
તેમણે કહ્યું, “નવકાર મહામંત્ર માત્ર એક મંત્ર નથી. આ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. આપણા જીવનનો મૂળ સ્વર અને તેનું મહત્વ ફક્ત આધ્યાત્મિક નથી. “આ સ્વયં થી લઈને સમાજ સુધી સૌને માર્ગ દર્શાવે છે, તે જન થી જગ સુધીની યાત્રા છે.
આ મંત્રનો દરેક શબ્દ જ નહીં, પરંતુ દરેક અક્ષર પોતે જ એક મંત્ર છે.” પ્રધાનમંત્રીએ સામૂહિક નવકાર મંત્રના જાપ પછી સૌને નવ સંકલ્પ લેવાની અપીલ પણ કરી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ આવરણને એક વિશિષ્ટ પ્રતીક રૂપે તૈયાર કરવામાં આવ્યું છે.
તેમાં નવકાર મંત્ર “નમો અરીહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એશો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિમ, પઢમં હવઈ મંગલમ” દર્શાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, યુવા પેઢી એક પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પ્રતીક તરીકે પ્રકાશિત થયેલા આ વિશેષ આવરણ દ્વારા તેમની સંસ્કૃતિ અને વારસાથી વાકેફ થઈ શકશે.
આ વિશેષ આવરણ ફિલેટલીનો એક અદ્ભુત હિસ્સો બની ડાક ટિકિટ સાથે દેશ-વિદેશમાં પણ પહોંચશે, જ્યાં નવકાર મહામંત્રની ગાથાને લોકો સુધી ફેલાવશે અને તેનું દેશ-વિદેશમાં વ્યાપક પ્રચાર-પ્રસાર શક્ય બનાવશે.
આ પ્રસંગે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા, JITO – અમદાવાદ યુનિટના પ્રમુખ ઋષભ પટેલ, JITO ના ચીફ સેક્રેટરી મનીષ શાહ, કન્વીનર આસિત શાહ, વાઇસ ચેરમેન વૈભવ શાહ, પ્રકાશભાઈ સંઘવી, ગણપતરાજ ચૌધરી, અમદાવાદ જીપીઓના ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્તર શ્રી અલ્પેશ શાહ તેમજ જૈન સમાજના વિવિધ પંથો જેમ કે શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી, સ્થાણકવાસી વગેરેના સાધુ-સાધ્વી, આચાર્ય અને ગચ્છાધિપતિઓએ આ ભવ્ય આયોજનમાં હાજરી આપી હતી.