રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર અને કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ ૨૦૨૪ કાર્યક્રમ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ખોડીયાર મંદીર ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજપરા ખોડીયાર મંદિર,જિ.ભાવનગર ખાતે ભાવનગરનાં કલેકટરશ્રી આર.કે.મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલેકટરશ્રી આર.કે.મહેતાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે,વિસરાયેલી સંસ્કૃતિને સમાજ જીવનમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય આવા અનેક મહોત્સવ થકી રાજ્યમાં હાથ ધરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે,સરકાર કલા અને કલાકારોની સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહી છે.કલાકારો પોતાની આગવી કલાઓને સામાન્ય માનવી સુધી પહોંચાડી શકે તેના માટે અનેક આવા નવીનતમ કાર્યક્રમો થકી તેમને સ્ટેજ મળી રહ્યું છે.
આ કાર્યક્રમમાં જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ કલા અર્પણ ડાન્સ એકેડમી દ્વારા માતાજીની દેવીસ્તુતિ,કલાપથ સંસ્થા દ્વારા મિશ્ર રાસ,મહેર રાસ મંડળ,સંસ્કાર ગૃપ દ્વારા મિશ્ર રાસ,નાદબ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યૂઝિક દ્વારા ટિપ્પણી નૃત્ય,શ્રી સહજાનંદ ગુરુકુળ દ્વારા ગરબો,જય બહુચરાજી શક્તિ ચેરી.દ્વારા ગોફ ગૂંથણ અને ઓમ શિવ સંસ્થા દ્વારા મિશ્ર રાસ જેવી કૃતિઓ રજૂ કરી હતી.
આ કૃતિઓ પૂર્ણ થયા પછી લોક ડાયરો પણ યોજાયો હતો જેમાં પ્રસિધ્ધ લોકડાયરા કલાકાર યોગેશ ગઢવીએ પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ઉદઘોષકશ્રી મિતુલ રાવલે કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી,નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી. ગોવાણી,પ્રાદેશિક નગરપાલિકાની કચેરીનાં અધિક કલેકટરશ્રી ડી.એન.સતાણી તથા અન્ય પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્રનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.