અમદાવાદ: NCC ગુજરાત નિદેશાલય દ્વારા 10 ઑગસ્ટ 2020થી છ દિવસ માટે ઑનલાઇન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ગુજરાતમાંથી 200 વરિષ્ઠ NCC કેડેટ્સને આ શિબિર માટે પસંદ કરવામાં આવ્યા છે. રાજ્યોની જોડી વચ્ચે રાષ્ટ્રીય એકીકૃતતા માટે NCC દ્વારા EBSB અથવા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરના આયોજનનો મૂળ ઉદ્દેશ NCCના સહભાગી કેડેટ્સમાં એકતા અને રાષ્ટ્રવાદની ભાવના જગાવવાનો અને જોડી રાજ્ય એટલે કે ગુજરાત, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેડેટ્સમાં એક પરિવારની લાગણી ઉભી કરવાનો છે.
ઑનલાઇન EBSBની થીમ ‘યુવા શક્તિ સે આત્મનિર્ભર ભારત કા નિર્માણ’ રાખવામાં આવી છે જેમાં અલગ અલગ પ્રકારની તાલીમ સમાવી લેવામાં આવી છે. આ શિબિરના મુખ્ય હેતુ કેડેટ્સમાં નેતૃત્ત્વ કળાનો વિકાસ, જ્ઞાનના પાયામાં વૃદ્ધિ, જાહેરમાં બોલવાના સામર્થ્યમાં વૃદ્ધિ, પારસ્પરિક વાર્તાલાપ દ્વારા સાથીદારો પાસેથી કંઇક નવું શીખવું, ટીમની ભાવના જગાવીને તેમજ એકબીજામાં ગૌરવ અને વફાદારીની લાગણી જગાવવી, વ્યવહારની આવડતમાં સુધારો લાવવો, પોતાના રાજ્ય અને સહભાગી રાજ્યોની સંસ્કૃતિને સમજવી વગેરે છે.
ઑનલાઇન EBSB શિબિરનું આયોજન ગુજરાત, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ રોય જોસેફના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે અને વલ્લભ વિદ્યાનગર NCC ગ્રૂપ હેડક્વાર્ટરના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિઅર આર.કે. ગાયકવાડના નેતૃત્ત્વ હેઠળ ટીમ દ્વારા તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
આ શિબિરમાં આવરી લેવામાં આવેલા વિવિધ મુદ્દામાં ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સારા આચરણો, SWOT વિશ્લેષણ, સાંસ્કૃતિક ધરોહર, તહેવારો, રાજ્યોના રીત-રિવાજો અને પરંપરાઓ અંગે પ્રેઝન્ટેઝન પણ સામેલ છે. આ રાજ્યો દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ અંગે પણ અલગ અલગ પ્રેઝન્ટેશન, વાર્તાલાપ અને ક્લિપ્સ દ્વારા ચર્ચા કરવામાં આવશે. એકબીજાની ભાષા એટલે કે ગુજરાતી અને બંગાળી શીખવી અને તેમાં વાતચીત કરવી એ પણ આ શિબિરના મુખ્ય મુદ્દામાંથી એક છે. વધુમાં, રાજ્યોમાં પાકશાસ્ત્ર અને ભોજનની આદતોના સંસાધનો, પર્યટનના સ્થળો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વ્યાપક રીતે આદાન-પ્રદાન કરવામાં આવશે. પ્રશ્નોત્તરી અને ચર્ચા સ્પર્ધાનું પણ આ શિબિર દરમિયાન આયોજન કરવામાં આવશે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌથી મોટા યુવા સંગઠન તરીકે NCCની ગણતરી થાય છે અને NCCની તાલીમ યોજવા માટે સંગઠને અભ્યાસ માટે ઇ-લર્નિંગનું માધ્યમ ઝડપથી અપનાવ્યું છે. EBSB (ઑનલાઇન)ના પ્રથમ દિવસનો અભ્યાસક્રમ તમામ સહભાગીઓએ સારી રીતે પ્રાપ્ત કર્યો હતો અને તેમને એકબીજા સાથે વાર્તાલાપ કરવાની શ્રેષ્ઠ તક મળી હતી. આ શિબિર 15 ઑગસ્ટ 2020 સુધી ચાલુ રહેશે.
રિપોર્ટ બાય સંજીવ રાજપૂત અમદાવાદ