અમદાવાદ: “મળી છે ઘણી માનસિક વ્યથાઓ છતા પણ ન અમે અંધકાર પાથરીએ…અધરા છે સવાલ અંધકારના..જવાબમાં અમે તો અજવાશ પાથરીએ..”
ઉક્ત પંક્તિઓને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે અમદાવાદમાં આવેલ માનસિક રોગની હોસ્પિટલના દર્દીઓ.. કોરોના મહામારીમાં સર્વત્ર પથરાયેલ અંધકારમાંથી અજવાળા તરફ લઇ જવા હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દિવાળી માટે ૩૦ હજાર દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ દિવળાઓ તૈયાર કરતા માનસિક રોગના દર્દી સતિષની કહાની દિલચસ્પ છે… અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના ૨૩ વર્ષીય સતીષને ૨૦૧૬માં મગજની તકલીફ ઉભી થઇ.તેઓને અવનવા અવાજો સંભાળવવા લાગ્યા તેની સાથે તેમને જમવાનું ભાવે નહીં પીવાનું ગમે નહીં ચાલવાની ઇચ્છા થાય નહીં ઉંધ આવે નહીં. માનસિક રીતે સતત તણાવગ્રસ્ત રહેતા. કોઇપણ જાતના કામમાં મન લાગતું નહીં.પરિસ્થિતી વણસતા પરિવારજનો અમદાવાદ ખાતે આવેલી માનસિક રોગની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા. માનસિક રોગની હોસ્પિટલમાં ૨ વર્ષ તેમની સારવાર ચાલી….સતત ૨ વર્ષ ચાલેલી સારવારના કારણે સતિષની વર્તણૂક સામાન્ય બનવા લાગી.. તે માનસિક સ્વસ્થ થવા લાગ્યો. આજે સમય એવો આવ્યો છે કે સતિષ માનસિગ રોગમાંથી બહાર આવી મહદઅંશે સાજો થઇ કવિ / લેખક બન્યો છે.આજે સતિષ સાંપ્રત સમયસ્યાઓ, મનોસ્થિતિ,તત્વજ્ઞાન ઉપર સરસ લેખ અને કવિતાઓ છે.
કોરોના મહામારીમાં ફેલાયેલ ડર ને દૂર કરવા તેઓએ લખેલી કવિતા અત્રે પ્રસ્તુત છે..
“યે સદકર્મો કા ફલ હે કી હમ બચ ગયે ..પર ડર લગતા હૈ જબ કોઇ હમ કો ટચ કરે…
બનતી બિગડી સબ કી વો બનાતા… ફીર કાહે કો હમ ડર કોરોના સે લગતા…
વો હી તો સબ કા કરતા ઘરતા… ફિર કાહે કા ડરના કોરોના…કુદરત સે નહીં બડા કોરોના…
જબ હૈ કુદરત તો કાહે કા ડરના કોરોના… કુદરત સે નહીં બડા કોરોના…કુછ પલ કા મહેમાન કોરોના”
માનસિક રીતે સ્વસ્થ થતા તેણે હોસ્પિટલના તબીબોને રોજગારી અર્થે પૂછ્યુ. મેન્ટલ હોસ્પિટલના ઓક્યુપેશનલ વિભાગના વર્કશોપમાં તેને રોજગારી પણ મળી. છેલ્લા ૧ વર્ષથી આ વિભાગમાં સતીષ ડે કેર તરીકેના કર્મચારી બની વિવિધ પ્રવૃતિઓમાં પોતાનું યોગદાન આપે છે. દિવસમાં ૭ થી ૮ કલાક અથાગ મહેનત કરીને રોજગારી રળે છે.
આ વિભાગમાં સતિષે બોકસ, ફાઇલ,પગલુછણિયા,શેતરંજી, રૂમાલ બનાવવા જેવા વિવિધ કામ શિખ્યા. વિવિધ તહેવાર આવે ત્યારે દિવળા બનાવીને રંગરોગાન કરીને તેમા રુચિ વધવા લાગી. જેથી ખંતપૂર્વક કામ કરતા નિયમિત મહેનતાણુ પણ મળવા લાગ્યુ જેથી તેમના પરિવારમાં સતિષની મહેનત મદદરૂપ બની.
માનસિક આરોગ્યની હોસ્પિટલના ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વિભાગના ડૉ. સુનિતા મહેરિયા કહે છે કે “અમારે ત્યાં દર્દી માનસિક અસ્થિરતા સાથે આવે છે. તેની સારવાર કર્યા બાદ તે કામ કરવા યોગ્ય થવા લાગે, મગજથી સ્થિર થતો જણાય ત્યારે તેને ઓક્યુપેશનલ વિભાગમાં તેમની કુશળતા મુજબ વિવિધ કામ આપવામાં આવે છે. જે કારણોસર કંઇક પ્રવૃતિઓ કરીને તેઓ આત્મનિર્ભર બની શકે એમ તેઓ ઉમેરે છે.
અમારી હોસ્પિટલનો ઓક્યુપેશનલ વિભાગ ૧૯૭૮ થી કાર્યરત છે. જેમાં દર્દીઓમાં રહેલી સામાન્ય કુશળતા આધારિત પ્રવૃતિઓ કારાવવામાં આવે છે. માનસિક બિમારીમાં પ્રાથમિક તબક્કે દર્દી ગંભીર અવસ્થામાં હોય છે સારા-ખોટાની ઓળખ કરવા , પોતાને ગમતુ કામ કરવા સક્ષમ હોતા નથી. સારવાર બાદ થોડા સ્થિર થવા લાગે ત્યારે તેમને વોકેશન પ્રવૃતિઓમાં કાર્યરત કરાવવામાં આવે છે. મનોરોગ નિ્ષણાંત, ઇન્સ્ટ્રક્ટર,મેડિકલ ઓફીસર ની ટીમ દ્વારા આ કામગીરી કરાવવામાં આવે છે.
આ વિભાગમાં દર્દીઓની માનસિક સ્થિતિ અને કાર્યપધ્ધતિને ધ્યાનમાં રાખીને ૩૦ જેટલા વિવિધ ટ્રેડ તૈયાર કરવામાં આવ્યા છે. માનસિક બિમારીમાંથી થોડો સુધારો આવ્યો હોય તેવા દર્દીઓને આ પ્રકારના ટ્રેડમાં તેમની સ્કીલ આધારિત કામ આપવામાં આવે છે.આ કામ થકી તેઓ સતત કામમાં વ્યસ્ત રહીને વિચારો પર પણ કાબુ મેળવી શકે છે સાથે સાથે રોજગારી પણ રળી શકે છે.
રાઇટ ટુ રીહેબિલીટેશન અને રાઇટ ટુ એમ્પલોયમેન્ટઅંતર્ગત અહીના દર્દીને વોકેશનલ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. તાજેતરમાં કોરોના મહામારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આત્મનિર્ભર અભિયાન શરૂ કરાવવામાં આવ્યુ જેને રાજ્યનના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ખૂબ સારી રીતે આગળ ધપાવવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે જ અમારી હોસ્પિટલના દર્દીઓ વિવિધ પ્રવૃતિ કરીને આત્મનિર્ભર બને તે હેતુસર આ વર્ષ અમે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી છે.
નરેન્દ્રભાઇ મોદી દ્વારા વોકલ ફોર લોકલની નેમ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આપણે આપણા દેશમાં શહેરમાં બનેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા થઇએ . વિદેશી આયાતો પર નિર્ભર ન રહેવાનો ઉદ્દેશ છે. જેને ધ્યાનમાં રાખીને જ આ વર્ષની દિવાળીની ઉજવણી માટે આ હોસ્પિટલ દ્વારા વિવિધ ડિઝાઇનથી શણગારેલા આકર્ષક અને નયનરમ્ય ૩૦ હજાર જેટલા દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સારવાર લઇ રહેલા દર્દીઓ અને સ્ટાફ મિત્રો , સ્વયંસેવકો દ્વારા લોકલ ફોર વોકલના અભિયાનને આગળ ધપાવવા દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
કોરોનાની પરિસ્થિતીઓમાં પ્રસરી રહેલા અંધકારમાથી અજવાળાની કિરણો જાગે તે હેતુસર હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમાજમાં સહકાર અને સ્વીકાર બંને વસ્તુઓ મળી રહે તે હેતુથી અહીના દર્દીઓ દ્વારા દિવળાઓ તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ , ખાનગી કંપની દ્વારા આ હોસ્પિટલને દિવળાઓના ઓર્ડર મળ્યા છે.આ રીતે આ હોસ્પિટલ દ્વારા આત્મનિર્ભરતા સાથે લોકલ ફોર વોકલ ના મંત્રને ચરિત્રાર્થ કરવામાં આવી રહ્યો છે.