અમદાવાદ: SAARC( South Asian Association of Regional Cooperation)ના સૅક્રેટરી જનરલ શ્રી ઈસાલા રૂઆન વીરાકુનએ અમદાવાદના સાબરમતી-ગાંધી આશ્રમની મુલાકાત લઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
શ્રી ઈસાલા રૂઆન વીરાકુન અને તેમના પત્નિ શ્રીમતી ક્રિશાંતિ વીરાકુ (Mrs. KRISHANTI WEERAKOON) ગાંધી આશ્રમમાં પધાર્યા ત્યારે તેમનું સુતરની આંટી પહેરાવીને અભિવાદન કર્યું હતું. શ્રી કાર્તિકેય સારાભાઈએ સમગ્ર આશ્રમની વિસ્તૃત જાણકારી આપી ત્યારે આ દંપત્તિ પ્રભાવિત થયું હતું.
શ્રીમતી ક્રિશાંતિએ જ્યારે વિશ્વશાંતિ, પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ જેવા વિવિધ મુદ્દાઓ અંગેના ગાંધી-વિચારને જાણ્યા ત્યારે તે અત્યંત પ્રભાવિત થયા હતા.
શ્રી વીરાકુને વિઝિટર્સ બુકમાં લખ્યું : “ આ મુલાકાત મને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને માનવજાતના ઉદ્ધાર માટે કરેલા પ્રદાનની યાદ અપાવે છે.” શ્રી વીરાકુને તેમના સંદેશમાં સાબરમતી આશ્રમને તેમના ભાવિ પ્રયાસો માટે પણ શુભકામના પાઠવી હતી.
શ્રી અતુલભાઈ પંડ્યાએ મહાનુભાવોને ગાંધીજીની આશ્રમની નિયમાવલી અંગે વાકેફ કર્યા હતા, જ્યારે શ્રી અમૃતભાઈ મોદીએ ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રા અંગેની વિગતોથી મહાનુભાવોને માહિતગાર કર્યા. આ મુલાકાત સમયે SAARC સૅક્રેટરિએટના ડાયરેક્ટર શ્રી ચંચલ ચાંદ સરકાર તેમ જ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ(TCGL) ના એમ.ડી. શ્રી જેનુ દિવાન પણ ઉપસ્થિત રહ્યા હતા.