અમદાવાદ: ભારતીય તટરક્ષક દળે 13 સપ્ટેમ્બર 2021ના રોજ રાત્રે દીવ ખાતે વણાક બારા નજીક મધ્ય દરિયામાં સાહસપૂર્ણ અને પડકારજનક ઓપરેશન હાથ ધરીને ડુબી રહેલી હોડીમાં સવાર 07 માછીમારોને બચાવી લીધા હતા
દીવ પ્રશાસન તરફથી રાત્રે 08.00 કલાકે પ્રાપ્ત થયેલા સહાયની માંગ કરતા કૉલને ધ્યાનમાં રાખીને, ભારતીય તટરક્ષક દળે તાત્કાલિક પ્રતિભાવ આપ્યો હતો અને સ્વદેશી બનાવટના અદ્યતન લાઇટ હેલિકોપ્ટરને પોરબંદર ખાતેથી રવાના કરીને પોરબંદરથી 175 કિમી દૂર દીવના વણાક બારા ખાતે રાત્રિના અંધકારમાં તેમજ પ્રવર્તમાન પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ જીવનરક્ષક ઓપરેશન હાથ ધર્યું હતું. તટરક્ષક દળના ઉચ્ચ ક્વૉલિફાઇડ પાઇલટ્સ કમાન્ડન્ટ કુનાલ નાઇક અને કમાન્ડન્ટ (JG) સૌરભે આ હેલિકોપ્ટરને ઉડાડ્યું હતું. તેમણે ખૂબ જ મર્યાદિત સમયમાં આ વિસ્તાર સુધી પહોંચવા માટે દૃષ્ટાંતરૂપ ઉડાન કૌશલ્ય બતાવીને ખૂબ જ નીચા સ્તરે રહેલા વાદળોમાંથી પણ આ હેલિકોપ્ટરને ઉડાડ્યું હતું. આ વિસ્તારમાં રાત્રિના અંધકાર અને સમુદ્રની કઠીન સ્થિતિના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે પણ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પાઇલટ્સે પોરબંદરથી હેલિકોપ્ટરને રવાના કરવામાં આવ્યું ત્યારથી એક કલાકમાં જ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
હોડીમાં મશીનરી ખરાબ થઇ જવાથી પાવર બંધ થઇ ગયો હતો અને વણાક બારા નજીક દરિયામાં ડુબી રહી હતી. હોડીમાં સવાર તમામ 07 ક્રૂને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને બચાવીને સલામત સ્થળે લઇ જવાયા હતા. સ્વદેશી બનાવટના અદ્યતન એવા રાત્રિના સમયે કામ કરવાની ક્ષમતા ધરાવતા હેલિકોપ્ટર, નિપુણ એર-ક્રૂ અને ભારતીય તટરક્ષક દળના મુદ્રાલેખ “વયં રક્ષામ:”નું આ ઉત્કૃષ્ટ પ્રદર્શન હતું.