અમદાવાદ: “વિશ્વ નર્સ દિવસ”એ નર્સની સેવાને યાદ કરવાનો ઉત્તમ દિવસ : શ્રી નાગરાજન, ડાયરેક્ટર, ઉચ્ચ શિક્ષણ
ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશ (DRDO) દ્વારા સંચાલિત ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં વિશ્વ નર્સ દિવસની ઉજવણી પ્રસંગે નર્સિંગ સેવાનેને બિરદાવતા હોસ્પિટલના ચેરપર્સન શ્રી અંજુ શર્માએ કહ્યું : “જેમ સૈનિક સરહદ પર લડે છે, તેમ અત્યારે નર્સ હોસ્પિટલમાં જંગ લડી રહી છે.”
શ્રી શર્માએ ભાવસભર વક્તવ્યમાં કહ્યું કે, આપ સૌનું જીવન કરુણાસભર છે. અને હું અહીં આવીને આપની પાસેથી ઘણું બધુ શીખી છું. અને મારા જીવનનો દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે. તેમણે કોવીડ ધન્વન્તરી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેલ-ફિમેલ નર્સને કહ્યુ કે, આપ સૌ કોવીડના દર્દીઓની સેવા માટે જીવનું જોખમ ઉઠાવો છો. તેમની કાળજી રાખો છો. તે માટે મને તમારા સૌ માટે માન ઉપજે છે.”
તેમણે કહ્યું કે, કોવીડના સમયમાં નર્સ પોતાનું ઘરબાર છોડીને અહીં દર્દીની સેવા કરે છે, તે એક માત્ર વ્યવસાયિક ફરજ નથી, પણ માનવીય ફરજ છે.
આ પ્રસંગે ઉપસ્થિત ઉચ્ચ શિક્ષણના ડાયરેક્ટ શ્રી નાગરાજને જણાવ્યું હતું કે , “વિશ્વ નર્સ દિવસ” એ નર્સની સેવાના યોગદાનને બિરદાવવાનો ઉત્તમ દિવસ છે. તેમણે નર્સ પ્રત્યે સન્માનનો ભાવ વ્યક્ત કરતા કહ્યું કે, આપની કટિબદ્ધતા જોઈને અમને ગૌરવ થાય છે.
ધન્વન્તરી કોવીડ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી જયદિપભાઈ ગઢવીએ નર્સિંગ સ્ટાફને બિરદાવતા કહ્યું કે, અમને સૌને તમારા પર ગૌરવ છે. કારણ કે તમારા વિના આ જંગને જીતવો અશક્ય છે.”
આ પ્રસંગે ઉપસ્થિત ધન્વન્તરી કોવીડ હોસ્પિટલના નર્સિંગ કો-ઓર્ડિનેટર શ્રી વિજેશ પટેલે કહ્યુ કે, ૧૨ મે દર વર્ષે વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ સમાજમાં નર્સના યોગદાનને બિરદાવવાનો છે. તેમણે ઉમેર્યું કે, ખાસ કરીને કોવીડકાળમાં તો તબીબી સેવાની કરોડરજ્જુ સમાન નર્સિગ સ્ટાફનું મહત્વ ઓર વધી ગયું છે.
આ અવસરે નર્સિંગ સ્ટાફે પણ તેમના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.નર્સ બહેને કહ્યું કે, દર્દીને તેમના સ્વાસ્થ્ય ઉપરાત પરિવારની પણ ચિંતા હોય છે, પરંતુ અમે જ્યારે તેમની સાથે સંવાદ સાધીએ છીએ ત્યારે તેઓ હળવા થઈ જાય છે.
અન્ય એક નર્સે કહ્યું કે, જ્યારે ગભરાયેલા દર્દીઓ સાથે અમે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરીએ છીએ ત્યારે તે માનસિક રીતે મજબૂત બને છે.
આમ, ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં પ્રશાસને ખરેખર કોરોના વોરિયર્સ એવા નર્સિંગ સ્ટાફનું બહુમાન કરી તેમના આત્મગૌરવમાં વૃદ્ધીનો પ્રસંશનીય પ્રયાસ કર્યો.