જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજરોજ પોતાના જન્મદિવસે લોકોના ઘર સુધી જઈ તેમને પ્રધાનમંત્રી વીમા યોજનાના ફોર્મ ભરાવી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે, જામનગરમાં ૭૮ તથા ૭૯ વિધાનસભાના અંદાજે ૧.૨૫ લાખ જેટલા પરિવારોના મુખ્ય વ્યક્તિઓના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરવામાં આવેલ છે અને આગામી તા.૧લી ઓગસ્ટે મંત્રી શ્રી આર.સી.ફળદુના જન્મ દિવસે એટલે કે આજથી માત્ર ૭૦ દિવસના ટુંકાગાળમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ વિમા યોજનાનો તમામ ખર્ચ મંત્રીશ્રી આર.સી.ફળદુ, સાંસદશ્રી પૂનમબેન માડમ તથા અમારા દ્વાર ચૂકવી લોકોને ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ કરાયો છે.
આ તકે શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી મનિષભાઈ કટારીયા, મહામંત્રી સર્વે શ્રી મેરામણભાઈ ભાટ્ટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંમણીયા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટર સર્વે શ્રી સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ, જયરાજસિંહ, રાજુભાઈ તથા આલાભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી તેમજ લોકોના વિમા યોજનાના ફોર્મ ભરાવવાની કામગીરીમાં જોડાયા હતા.