અમદાવાદ: દાહોદ જિલ્લાના ઝાલોદમાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે ગુજરાત એટીએસએ ઇમરાન ગુડાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. મહત્ત્વનું છે કે ઈમરાને અમિત કટારાના કહેવાથી હત્યા માટે સોપારી આપી હતી. અમિત કટારા કૉંગ્રેસના MLA ભાવેશ કટારાનો ભાઈ છે. હાલ સમગ્ર મામલે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. આ મામલે અત્યારસુધી કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે….
દાહોદના ઝાલોદમાં ગત સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કરીને તેને અકસ્માતમાં ખપવાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદમાં પોલીસે તપાસ કરતા મધ્ય પ્રદેશના ચાર અને ગુજરાતના બે લોકો મળી કુલ છ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓ ફરાર હતા. આ આરોપીને શોધવા માટે ATS કામે લાગી ગઈ હતી. આ દરમિયાન ATS ટીમને માહિતી મળી હતી કે મુખ્ય આરોપી ઇમરાન હરિયાણાના મેવાતમાં છૂપાયો છે જ્યાંથી એટીએસે તેની ધરપકડ કરી હતી….
ઇમરાનની પૂછપરછ શરૂ કરતા અનેક ખુલાસા થયા છે. ઇમરાને કૉંગ્રેસના MLA ભાવેશ કટારા અને પૂર્વ સાંસદ બાબુ કટારાના ભાઈ અમિત કટારાના કહેવાથી અન્યને હિરેન પટેલની હત્યા માટે સોપારી આપી હતી. સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે અમિત કટારા અને ઇમરાન ખૂબ જ સારા મિત્રો છે. આથી અમિતે ઇમરાન અને અજય કલાલને હિરેન પટેલનો ખેલ ખતમ કરવાનું કામ સોંપ્યું હતું….
ઇમરાને આ કામ કરવા માટે ગોધરાકાંડના આરોપી ઈરફાનને 2 લાખમાં સોપારી આપી હતી. ઈરફાન જે તે સમય ફર્લો પર જેલમાંથી બહાર આવ્યો હતો. ઇરફાને પોતાના અન્ય સાગરીતો સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા કરવા પાછળ એવી વાત સામે આવી રહી છે કે છ મહિના પહેલા હિરેન પટેલની મદદથી નગરપાલિકા કૉંગ્રેસ પાસેથી જતી રહી હતી અને તેનો બદલો લેવા માટે તેની હત્યા કરવાામં આવી હતી. હાલ પોલીસે આ મામલે કુલ સાત આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. હવે આ મામલે અમિત કટારાની પણ ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. પોલીસ તપાસમાં આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની માહિતી બહાર આવશે….
ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હિરેન પટેલ ઝાલોદની સહકારી બેન્કો, માર્કેટયાર્ડ, કેળવણી મંડળ સહિતની અનેક સંસ્થા સાથે જોડાયેલા હતા. તેઓ સતત ત્રણ ટર્મથી નગરપાલિકામાં કાઉન્સિલર પદે ચૂંટાઇ આવતા હતા.