કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાતમાં ફરી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
NCB અને ઇન્ડિયન નેવીએ ગુજરાતના દરિયામાંથી 800 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન હાથ ધરી ગુજરાતના મધદરિયેથી 529 કિલો હશિશ, 234 કિલો મેથાફેેટામાઈન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું છે.
NCBના જણાવ્યા અનુસાર જે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 2000 કરોડની છે. મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તે પાડોશી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાતના દરિયાઈ કિનારાને ગેટ વે બનાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. જાન્યુઆરી 2020માં માછીમારી બોટમાંથી 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈન સાથે 5 પાકિસ્તાની ઝડપાયા હતા. તો એપ્રિલ 2021માં 150 કરોડની કિંમતના 30 કિલો હેરોઈન સાથે આઠ પાકિસ્તાનીઓ ઝડપાયા હતા.