ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની વ્યાપક અસર
*******
જિલ્લામાં ૦૫ માનવ મૃત્યુ: ૦૯ પશુ મૃત્યુ
*******
જિલ્લાના ૫૪ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરાયો : ૧૦૩ માર્ગો પુનઃ શરૂ કરાયા
********
૮૬૩૮ ઝૂંપડા અને કાચા મકાનોને નુકશાન : ૭૨૫ પાકા મકાનને નુકશાન
*******
ભાવનગર જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને થયેલ નુકશાનની સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે: કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા
***********
ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉ તે ચક્રવાતની વ્યાપક અસર થઈ છે. જિલ્લાના દરિયાકાંઠાના મહુવા, ઘોઘા,તળાજા અને ભાવનગર ગ્રામ્ય તાલુકામાં વાવાઝોડાએ વ્યાપક નુકશાન કર્યું છે એમ કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે.
કલેકટરશ્રીએ જણાવ્યું કે વાવાઝોડા દરમ્યાન ભારે પવન ફુંકાતા જિલ્લામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે.જ્યારે ૦૯ પશુઓના મૃત્યુ નોંધાયા છે.
વાવાઝોડા દરમ્યાન જિલ્લાના ૭૩૩ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જે પૈકી ૫૪ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે.શિહોરમાં યુદ્ધના ધોરણે ઓકસીજન પ્લાન્ટમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે વાવાઝોડાથી જિલ્લાના ૧૪૭ માર્ગો બંધ થયા હતા. જે પૈકી ૧૦૩ માર્ગોને પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લામાં ૮૬૩૮ ઝૂંપડા,કાચા મકાન અને ૭૨૫ પાકા મકાનોને નુકશાન થયું છે.જ્યારે ત્રણ સરકારી મકાનોને નુકશાન થયું છે.
જિલ્લામાં વાવાઝોડાના કારણે ૫૨૨૦ વૃક્ષો ધરાશયી થયા હતા. જિલ્લાના મુખ્ય માર્ગો પરના વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.જિલ્લામાં ૧૯૫૦ વીજ થાંભલાઓને નુકશાન થયું છે.
કલેકટરશ્રીએ જણાવ્યું કે જિલ્લાની તમામ ૬૧ કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો યથાવત છે.
ભાવનગર જિલ્લાના બાકી ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજ કંપનીના અધિકારો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને થયેલ નુકશાનની સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે હોવાનું તેમને ઉમેર્યું હતું.