ગાંધીનગર: રાજ્યમાં ડૉગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વેપારીઓ/ વ્યક્તિઓએ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર ખાતે તેમના ફર્મની નોંધણી ફરજિયાત કરવાની રહેશે. ફર્મના રજીસ્ટ્રેશન વગર કોઇ પેટશોપ પણ ચલાવી શકાશે નહિ. આકસ્મિક તપાસમાં રજીસ્ટ્રેશન વગર આ પ્રકારની કોઇ પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ મળી આવશે તો તેમની સામે પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (પેટ શોપ) અને પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગ) એક્ટ અંતર્ગત કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામા આવશે તેમ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત પશુપાલન નિયામકશ્રી દ્વારા જણાવાયુ છે.
Prevention of Cruelty to Animals (Pet Shop) Rules 2018 અને Prevention of Cruelty to Arnimals (Dog Breeding and Marketing) Rules 2017 અનુસાર પેટશોપ (Pet Shop) અને ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગ (Dog Breeding and Marketing)નું રજીસ્ટ્રેશન રાજ્યમાં ફરજિયાત કરવામાં આવ્યુ છે. રૂ।. ૫૦૦૦/ ની નોંધણી ફી સાથે ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, બીજો માળ, સુમન ટાવર, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે પેટશોપ અને ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગનો વ્યવસાય કરતા વેપારીઓ/ વ્યક્તિઓએ તેમના ફર્મની નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે.
વર્ષ-૨૦૨૦થી આ નોંધણી ફરજિયાત કરવામાં આવી હોવા છતાં રાજ્યમાં આ વ્યવસાય કરતાં વેપારીઓ/ વ્યક્તિઓએ તેમના ફર્મનું રજીસ્ટ્રેશન કરાવેલ ન હોઈ હવે આકસ્મિક તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલુ જ નહિ, પેટશોપ અને ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગનો વ્યવસાય કરવા સ્થાનિક પ્રશાસન પાસેથી મેળવેલ મંજૂરી રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનાં સંયુક્ત પશુપાલન નિયામકશ્રીએ ઉમેર્યુ છે.