ગાંધીનગર: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ છે કે, આગામી સમયમાં રાજ્યની શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે બે-ત્રણ દિવસમાં SOP જાહેર કરીને યોગ્ય નિર્ણય કરાશે.
મંત્રીશ્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, રાજ્યમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ગઇકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભે SOP બનાવવા માટે સુચના આપી હતી. જેના અનુસંધાને આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે અને SOP બનાવવા માટેની સુચના આપી દેવાઇ છે જે આગામી બે-ત્રણ દિવસમાં બનાવી દેવાશે.
વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો સાથે પણ ઓનલાઇન ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય કરાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ ૯ થી ૧૨માં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે પણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક SOP બનાવવા માટે પણ સુચનાઓ આપી દેવાઇ છે. તેમણે ઉમેર્યુકે SOP તૈયાર થયા બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ કરવું એ અંગે યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.