વડોદરા: મેજર જનરલ રોય જોસેફ અધિક મહાનિદેશક, NCC મહાનિદેશાલય ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવએ 14 ઓક્ટોબર 2020ના રોજ વડોદરામાં 2 ગુજરાત નેવલ યુનિટ ખાતે રોઇંગ સિમ્યુલેટર અને 1 ગુજરાત એર સ્ક્વૉડ્રન ખાતે વાયરસ માઇક્રોલાઇટ ફ્લાઇટ સિમ્યુલેટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બંને પ્રોજેક્ટ રાજ્ય શિક્ષણ વિભાગના સમર્થનથી પ્રારંભ કરવામાં આવ્યા છે.
વાયરસ SW80 માઇક્રોલાઇટ ફ્લાઇટ સિમ્યુલેટર વડોદરામાં 1 ગુજરાત એર સ્ક્વૉડ્રન ખાતે કાર્યાન્વિત થઇ ગયું હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાઇટ સિમ્યુલેટર ઉમેરાવાથી કેડેટ્સને લગભગ વાસ્તવિક સમયના ફ્લાઇંગ અંગે શીખવામાં ફાયદો થશે અને તેઓ એકલા પણ ઉડાન ભરી શકે છે. આ ફ્લાઇટ સિમ્યુલેટરની ડિઝાઇન અને કંટ્રોલ તાજેતરમાં હસ્તગત કરવામાં આવેલા વાયરસ SW80 માઇક્રોલાઇટ એરક્રાફ્ટને અદ્દલ મળતા આવે છે. વધુમાં, તમામ કટોકટી અને હવામાનની પરિસ્થિતિઓનું પણ તેમાં સિમ્યુલેશન થઇ શકે છે. આ ફ્લાઇટ સિમ્યુલેટર એર કેડેટ્સને તાલીમ આપવામાં ખૂબ જ લાંબાગાળાનો ફાયદો અપાવશે અને તેનાથી માત્ર ઇંધણની જ બચત નહીં થાય પરંતુ વાસ્તવમાં માઇક્રોલાઇટ એરક્રાફ્ટની ઉડાન ભરતા પહેલાં આની મદદથી કેડેટ્સને એરક્રાફ્ટનો પ્રત્યક્ષ અહેસાસ અને પરિચય થશે.
નેવલ કેડેટ્સ માટે હોડી ખેંચવી એ તેમની તાલીમ દરમિયાન એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાંથી એક છે. ગુજરાત NCC નિદેશાલય પાસે 9 નેવલ યુનિટ છે અને આ યુનિટના કેડેટ્સને દરિયામાં વ્હેલર બોટ્સનું સંચાલન કરવાનું શીખવું જરૂરી છે. હોડી ખેંચવાની તાલીમના મહત્ત્વને ધ્યાન રાખીને, NCC નિદેશાલય દ્વારા અમદાવાદ, વડોદરા, ભાવનગર, ભૂજ, વેરાવળ અને નવસારી ખાતે છ નેવલ રોઇંગ સિમ્યુલેટર્સ લગાવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આનાથી કેડેટ્સને તાલીમમાં અત્યંત લાભ થશે કારણ કે નવલ સિમ્યુલેટરથી કેડેટ્સની સહનશક્તિમાં વધારો કરવામાં મદદ મળી શકે છે, જે હોડી ખેંચવાની તાલીમમાં ખૂબ જ આવશ્યક જરૂરિયાત છે. નેવલ સિમ્યુલેટરથી કેડેક્ટ્સને તાલીમમાં ઘણા લાંબાગાળાનો ફાયદો થશે અને તેનાથી કેડેટ્સને વિવિધ રાષ્ટ્રીય નેવલ કેમ્પ અને સમુદ્રી મુસાફરીઓમાં પણ ગુજરાત નિદેશાલયની ખ્યાતિ વધારવામાં મદદ મળશે.
અધિકારીઓ, ANO અને કેડેટ્સ સાથે વાતચીત કરતી વખતે, ADGએ જણાવ્યું હતું કે, “તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એકધારા સુધારાના કારણે તેમની ક્ષમતાઓ બતાવવાની તક મળવાની સાથે સાથે કેડેટ્સને બહુપરિમાણીય રીતે તાલીમ અને માહિતી મેળવવામાં પણ મદદ મળશે.”