Breaking NewsLatest

શિયાળો આવે છે, યાદ રાખજો.. કોરોના ગયો નથી, સૂપ પીવાના હોવ તો આટલું જરૂર જાણી લેજો

અમદાવાદ: તાજા લીલા શાકભાજીમાંથી બનાવેલા સૂપ કોને ન ભાવે ? ખાસ કરીને ઠંડીની મોસમમાં સૂપની મજા જ કંઈક અલગ હોય છે. જો કે આજકાલ જે પ્રકારનાં સૂપ પીવાઇ રહ્યા છે તેમાંથી મોટા ભાગના સ્વાદપ્રદ તો છે પરંતુ સ્વાસ્થ્યપ્રદ નથી. આ વાત કહી રહ્યા છે અખંડાનંદ કોલેજના આયુર્વેદાચાર્ય અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડાયટિશિયન.

હાલ ઋતુસંધિકાળ ચાલી રહ્યો છે. આ ચોમાસાની વિદાય અને શીયાળાના આગમન વચ્ચેનો સમય છે. ઉપરાંત કોરોના પણ વત્તા-ઓછા પ્રમાણમાં યથાવત છે. લોકો સ્વાસ્થ્યવર્ધન માટે જાગૃત અને પ્રયત્નશીલ બન્યા છે. અત્યારે ઔષધિય ઉકાળાનું સેવન પ્રચલનમાં છે. જયારે સૂપ વર્ષોથી લોકોના આહારનો ભાગ છે. ખાસ કરીને શિયાળામાં વિવિધ શાકભાજીના સૂપનું સેવન કરવામાં આવે છે.
શિયાળો નજીક છે ત્યારે કોરોના સંક્રમણના પરિપ્રેક્ષ્યમાં સૂપના સેવન બાબતે તજજ્ઞોએ રજુ કરેલા તેમના મત જાણવા હિતાવહ છે.

અખંડાનંદ આયુર્વેદિક કોલેજના દ્રવ્યગુણ વિભાગાધ્યક્ષ વૈદ્ય ધર્મેન્દ્ર જાનીના જણાવ્યા અનુસાર સૂપ વ્યક્તિને સુપાચ્ય હોય તે પ્રથમ શરત છે. શાકભાજી કરતા તેનો સૂપ વધુ પાચ્ય હોય છે. પરંતુ આપણી બદલાતી આહાર શૈલીએ ક્યાંક સૂપને પચવામાં ભારે તો નથી બનાવી દીધાને તે ચકાસવું જોઈએ. તેઓ કહે છે કે, બજારમાં મળતા પેકેજ્ડ સૂપ પાઉડરમાં સૂપ ઘટ્ટ બને તે માટે ‘કોર્ન સ્ટાર્ચ’ ઉમેરવામાં આવે છે. આ ‘ કોર્ન સ્ટાર્ચ’ કફ પ્રેરક છે, શરીરમાં કફ બનાવવા માટે ટ્રીગર ફેક્ટરનું કામ કરે છે જે કોરોના કાળમાં અત્યંત જોખમી છે. વ્યક્તિને તલપ લાગે તેવા ટેસ્ટ એન્હાન્સર દ્રવ્યો સૂપમાં ઉમેરવામાં આવે છે. અંતે સૂપ પચવામાં ભારે બને છે. આવા પેકેજ્ડ સૂપ સ્વાદિષ્ટ હોઈ શકે પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ ખાસ ફાયદાકારક નથી તેમ તેઓ ઉમેરે છે. વૈદ્ય જાની કહે છે કે બાજારુ સુપ બાળકો માટે નુકસાનકારક છે. મોનોસોડિયમ ગ્લુકોમેટ ધરાવતા તથા સ્પાઇસી (તીખા) સૂપ બાળકોને આપવા યોગ્ય નથી. આયુર્વેદમાં મેડિસિનલ પ્લાન્ટ ડીક્ષનરી (ઔષધિય વનસ્પતિની નામાવલી) ઉપલબ્ધ છે જેને નિઘંટુ કહે છે તેમાં પણ સ્વાસ્થ્ય વર્ધન માટે તથા સુપાચ્ય આહાર તરીકે સૂપસ્ય શાક અર્થાત શાકભાજીના અર્કનું સેવન કરવા કહેવાયું છે.

ક્લિનિકલ ડાયેટિશિયન સુશ્રી કરિશ્મા પટેલ જણાવે છે કે, સૂપને સ્વાદિષ્ટ બનાવવા વધુ પડતા સોલ્ટ, સુગર અને સેચ્યુરેટેડ ફેટના ઉમેરણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. જોગસ પાર્ક કે ફૂટપાથ પર મળતા સૂપમાં જો સોલ્ટ-સુગર વધુ હોય તો તેનાથી બચવું જોઈએ. ઘરે જ બનાવેલા સૂપ પીવા હિતાવહ છે. આ ઉપરાંત આદુ લસણ વાળા સૂપ માનવ શરીરમાં રહેલા મ્યુક્સને પાતળું કરે છે જે શિયાળામાં જરૂરી છે. મ્યુક્સ ફેફસા, ગળું અને નાકમાં વહેતું ઘટ્ટ પ્રવાહી છે.

ટામેટાંમાં રહેલું લાઇકોપિન એન્ટી ઓક્સિડન્ટ તરીકે વર્તે છે. સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર અને પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ આપે છે તથા પાચનતંત્ર માટે લાભદાયી છે. સરગવો કેલ્શિયમ અને વિટામિન-એ માટે જરૂરી છે. બીટરૂટ રક્તશુદ્ધિ અને હિમોગ્લોબિન માટે આવશ્યક છે. આમ ટામેટા, સરગવો અને બીટનો સૂપ અતિ ગુણકારી છે તેમ તેણીએ ઉમેર્યું હતું.

અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રધાનાચાર્ય વૈદ્ય હર્ષિત શાહના જણાવ્યા મુજબ ઔષધિય ઉકાળા કડવા-તૂરા હોવા છતાં સૌથી કોરોના કાળમાં સૌથી વધુ લાભદાયી છે, બીજા નંબરે સૂપ અને જ્યુસનો ક્રમ ત્રીજો આવે છે. તેઓ કહે છે કે, જ્યુસ એ ફળોનો ગાળેલો રસ-અર્ક છે જેમાં ફાઈબર-રેસાનો અભાવ હોય છે. વળી જ્યુસ ઠંડા પીણા તરીકે પીવાય છે. જયારે સૂપમાં ફાઈબર સહીત પોષક તત્વો હોય છે. આથી શિયાળામાં સૂપનું સેવન લાભકારી છે.

ઉલ્લેખનીય છે કે સૂપ સદીઓથી ભારતીય આહારનો ભાગ છે. આયુર્વેદ સહિતના સંસ્કૃત ગ્રંથો ઉપરાંત પાલી ભાષામાં લખાયેલા બૌદ્ધ ગ્રંથોમાં પણ સૂપા (સૂપ)નો ઉલ્લેખ છે. ઓલ્ડ લેટીન ભાષામાં તેને સુપ્પા કહેવાય છે તો અંગ્રેજીમાં બ્રોથ અને સ્ટોક પણ કાહેવાય છે.

આમ તો સૂપ પીવાનો કોઈ નિશ્ચિત સમય નથી પરંતુ જમ્યા પહેલા જ સૂપનું સેવન હિતાવહ છે. લિક્વિડ ડાયેટ પર રહેનાર વ્યક્તિ માટે સૂપ આરોગ્યપ્રદ છે. વહેલી સવારે કે સાંજે કસરત બાદ પંદર-વીસ મિનિટ પછી જ સૂપ પીવો હિતાવહ છે.

વિવિધ શાકભાજી, પર્ણો, કંદમૂળ, કઠોળ અને અનાજમાંથી સૂપ બનાવવાની રેસીપી પણ ઇન્ટરનેટ પરથી પણ મળી રહે છે પરંતુ ઉપર કહ્યું તેમ અમુક તકેદારી જરૂરી છે. તો ચાલો આગામી ઠંડી ઋતુમાં સુપાચ્ય સૂપના સેવન થકી સ્વાસ્થ્યના રક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પબદ્ધ થઈએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.

એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા…

1 of 670

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *