દિલ્હી: સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મહા નિદેશાલય નેશનલ કેડેટ કોર્પ્સ (DGNCC) મોબાઈલ તાલીમ એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એપ્લિકેશન દેશભરમાં NCCના કેડેટ્સને ઑનલાઇન તાલીમ યોજવા માટે મદદરૂપ થશે.
કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા NCC કેડેટ્સની તાલીમને પણ ઘણી વિપરિત અસર પડી છે કારણ કે તેમાં મોટાભાગે સંપર્ક આધારિત તાલીમ સામેલ હોય છે. શાળાઓ/ કોલેજો નજીકના ભવિષ્યમાં ફરી શરૂ થાય તેવી શક્યતાઓ હાલમાં જણાતી નથી તેથી ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને NCC કેડેટ્સની તાલીમ યોજવાની જરૂર હોવાનું લાગ્યું હતું. સંરક્ષણમંત્રીએ આ એપ્લિકેશનના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી NCCના કેડેટ્સ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે દરેક કેડેટ્સને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી અને તેમને પોતાના જીવનમાં દરેક મોરચે ઉત્કૃષ્ટ બનવા માટે પ્રેરણા આપી હતી.
NCC કેડેટ્સને સંબોધિત કરતી વખતે, સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ એપ્લિકેશન કોવિડ-19ના કારણે પ્રત્યક્ષ સંપર્ક પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોના પરિણામે ઉભા થયેલા વિપરિત સંજોગોમાંથી બહાર આવવા માટે અને ડિજિટલ અભ્યાસ કરવા માટે ખૂબ જ મદદરૂપ પુરવાર થશે. તેમણે ઉમેર્યું હતું કે, જો કોઇપણ વ્યક્તિ પૂરા દૃઢ સંકલ્પ અને આત્મ-વિશ્વાસ સાથે આગળ વધે તો, તે અથવા તેણી તમામ અવરોધોમાંથી બહાર નીકળીને સફળતા ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે. શ્રી રાજનાથસિંહે NCCના એક લાખ કેડેટ્સના યોગદાનની ખૂબ પ્રશંસા કરી હતી જેમણે મહામારી સામેની લડાઇ દરમિયાન વિવિધ કાર્યોમાં મદદરૂપ થઇને અગ્ર હરોળમાં લડી રહેલા કોરોના યોદ્ધાઓને સહકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, NCC એકતા, શિસ્ત, રાષ્ટ્રની સેવાના મૂલ્યો કેડેટ્સમાં લાવે છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, માર્શલ ઓફ એરફોર્સ અર્જૂનસિંહ, રમતજગતની હસ્તી અંજલી ભાગવત, ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પારિકર જેવા કેટલાક કેડેટ્સ મહાન પ્રતિભા તરીકે ઉભરી આવે છે. ઉપરાંત, સંરક્ષણ મંત્રી પોતે પણ કેટલાક NCCના કેડેટ રહી ચુક્યા છે.
DGNCC મોબાઇલ તાલીમ એપ્લિકેશનનો ઉદ્દેશ NCCના કેડેટ્સને સંપૂર્ણ તાલીમ સામગ્રી (અભ્યાસક્રમ, સારાંશ, તાલીમના વીડિયો અને અવારનવાર પૂછાતા પ્રશ્નો) એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડવાનો છે. આ એપ્લિકેશનમાં પ્રશ્નોનો વિકલ્પ સામેલ કરીને તેને વધુ રસપ્રદ બનાવવામાં આવી છે. આ વિકલ્પનો ઉપયોગ કરીને, કેડેટ તાલીમના અભ્યાસક્રમ સંબંધિત પોતાના પ્રશ્નો પોસ્ટ કરી શકે છે અને ક્વોલિફાઇડ ઇન્સ્ટ્રક્ટર્સની પેનલ દ્વારા તેનો જવાબ આપવામાં આવશે.
આ એપ્લિકેશન ચોક્કસપણ NCCની તાલીમને સ્વયંચાલિત કરવાની દિશામાં એક સકારાત્મક પગલું સાબિત થશે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયાની દૂરંદેશીને અનુરૂપ છે અને મહામારીના આ કસોટીપૂર્ણ સમયમાં લાંબાગાળે NCCના કેડેટ્સને તાલીમની સામગ્રી સરળતાથી મેળવવા માટે મદદરૂપ થશે.
સંરક્ષણ સચિવ ડૉ. અજયકુમાર, NCCના મહા નિદેશક લેફ્ટેનન્ટ જનરલ રાજીવ ચોપરા અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય સેવાના અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.