ગાંધીનગર: દેશ 1971ના યુદ્ધમાં વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે ત્યારે, વર્ષ 2020-21ને ભારત સરકારે ‘સ્વર્ણિમ વિજય વર્ષ’ જાહેર કર્યું છે. ‘સ્વર્ણિમ વિજય વર્ષ’ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સશસ્ત્ર દળોના યુદ્ધ નાયકોને સમર્પિત કરાયું છે. 1971નું ઐતિહાસિક યુદ્ધ વિશ્વ યુદ્ધ II, બાદ સૌથી મોટા સૈન્ય આત્મસમર્પણમાં પરિણમ્યુ હતું, જ્યાં શત્રુ સેનાના 93,000 સૈનિકોએ ભારતીય સશસ્ત્ર દળોની સામે પોતાના હથિયારો હેઠા મુક્યા હતા.
આપણા સન્માનનિય પ્રધાનમંત્રીએ 16 ડિસેમ્બર, 2020ના રોજ વિજય દિવસના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શાસ્વત ધોરણે પ્રજ્વલિત જ્વાળા વડે ચાર ‘વિજય મશાલ’ને પ્રજ્વલિત કરીને આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યુ હતું અને તે વિજય મશાલોને ચાર મુખ્ય દિશાઓમાં રવાના કરી હતી. વિજય મશાલને દેશના તે તમામ નગરો સ્થિત મોટી સૈન્ય છાવણીઓ અને ગામોમાં લઇ જવામાં આવી રહી છે, જ્યાંથી આ શુરવીરો આવતા હતા.
હેડક્વાર્ટર દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ, ગાંધીનગર ખાતે 24 ઑગસ્ટ 2021ના રોજ આપણા વિજયની ઉજવણી કરવા માટે અને આપણા યુદ્ધ નાયકોના સર્વોચ્ચ બલિદાનને સંભારવા માટે આયોજીત કાર્યક્રમમાં ‘‘સ્વર્ણિમ વિજય વર્ષ’’ની ‘વિજય મશાલ’ને આવકારવામાં આવી હતી. મશાલને પૂર્ણ સૈન્ય સન્માન સાથે આવકારવામાં આવી હતી અને પરિસરમાં મશાલના સમગ્ર રૂટ દરમિયાન હવાઇ યોદ્ધાઓ દેશભક્તિના રંગમાં આનંદથી ભરાઇ ઉઠ્યા હતા. એર માર્શલ સંદિપ સિંઘ AVSM VM, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડએ યુદ્ધ સ્મારક પુષ્પ ગુચ્છ ચડાવ્યો હતો અને કમાન્ડના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને હવાઇ યોદ્ધાઓની હાજરીમાં ‘‘સ્વર્ણિમ વિજય મશાલ’’ને ભાવાંજલી પ્રદાન કરી હતી.