– સમાજમાં પ્રથમ વાર કોઈ દીકરી એમબીબીએસ થઈ
– ખેડૂત પરિવારની તનતોડ મહેનત ને દીકરીએ દીપાવી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
36 ગામ લેઉવા પાટીદાર સમાજના લીંબ ગામના ખેડૂત પુત્રીએ એમબીબીએસ ની પદવી મેળવી પોતાના પરિવાર સહિત ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે. બચપનથી જ ભણવામાં તેજસ્વી દિકરીને ભણાવવા ખેડૂત પરિવારે તનતોડ મહેનત કરી ત્યારે દીકરીએ પણ ભણવામાં પાછી પાની કરી નહિ જેના પરિણામે દીકરીએ ખેડૂત પરિવારનું, ગામ અને સમાજમાં નામ દીપાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું લીંબ ગામ. ગામની મોટાભાગની વસ્તી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. ખેતીના વ્યવસાયમાં જોડાયેલા પટેલ પરિવારો પોતાના સંતાનોને ભણાવવા માટે તનતોડ મહેનત કરે છે જ્યારે સમજુ સંતાનો પણ પોતાના માતા-પિતાની તનતોડ મહેનતને ઉજાગર કરતાં પરિણામ લાવી સમાજમાં પોતાના પરિવાર ગામનું રોશન કરે છે. લીંબ ગામના પટેલ પોપટભાઈ ગાંડાભાઈ ની દીકરી અમીશા બચપણથી જ ભણવામાં તેજસ્વી હતી. ગામ મોટું પણ પ્રાથમિક શાળા સુધી જ શિક્ષણ મળી શકે તેવી વ્યવસ્થા હોવાથી અમિષાને ધોરણ 8 થી તેનપુર ગામે ભણવા માટે મૂકી હતી. ધોરણ 10 માં સારી એવી ટકાવારી મેળવતા તેનપુર ખાતે જ ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો હતો. વિજ્ઞાનના વિષય સાથે અમીષાએ ધોરણ-12માં 95 ટકા જેટલી ખૂબ ઊંચી ટકાવારી મેળવી તથા ગુજકેટ માં 111/120 માર્કસ મેળવી સરકારી કોલેજ ભાવનગરમાં એમબીબીએસ માં એડમિશન મેળવ્યું હતું. તેનપુર ગામની હાઈસ્કૂલમાં રોજે રોજ અપ ડાઉન કરીને ધોરણ 12 સુધી ગામડામાં રહીને અભ્યાસ કરીને એમબીબીએસ ની ડીગ્રી પ્રાપ્ત કરનાર 36 ગામ લેઉવા પાટીદાર સમાજની પ્રથમ દીકરી છે. ધરતીના ખોળે પરસેવો પાડતા ખેડૂત પરિવારની દીકરીએ પોતાના પરિવારનું, ગામ અને સમાજમાં નામ રોશન કર્યુ છે. અમીષા ને એમબીબીએસ ની પદવી એનાયત થતાં સમાજના અગ્રણીઓ અને સગા સંબંધીઓએ અભિનંદન પાઠવ્યા હતા.