સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઇ કર્મીઓનું માતાજીના પ્રસાદની કીટ આપી સન્માન કરાયુ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસીમ કૃપાથી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન થતાં ગબ્બર તળેટી પરિક્રમા પ્રવેશ ખાતે માતાજીની પૂજા-અર્ચના કરી મહોત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઇ કર્મીઓનું માતાજીના પ્રસાદની કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠોના દર્શન કરવાનો લ્હાવો મળતા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. તા. ૧૨ મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ” ના છેલ્લા દિવસે ૧૬ મી ફેબ્રુઆરી સુધીમાં ૧૩ લાખ કરતાં વધુ શ્રધ્ધાળુ યાત્રાળુઓએ શ્રી ૫૧ શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પાંચ દિવસીય આ મહોત્સવ દરમિયાન પરિવહન, પરિક્રમા, ભોજન પ્રસાદ, વિસામો, પાણી , આરોગ્ય, વીજળી, કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેની જવાબદારી નિભાવનાર તમામ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વિભાગોની કામગીરીને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન મીડિયા મેનેજમેન્ટ અને મેળા ના પ્રસાર પ્રચારનું સુંદર કવરેજ અને લાખો લોકોને મેળાની પળે પળનું કવરેજ માહિતી સમાચાર પહોંચાડનાર માહિતી ખાતું,પાલનપુર અને ઈલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિશ્રીઓનું પણ વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મેળાના પાંચ દિવસ દરમિયાન પરિક્રમા પથ અને સમગ્ર અંબાજીને સ્વચ્છ રાખવાનું કામ કરનાર સ્વચ્છતા કર્મચારીઓ અને સફાઈ કામદારોની કામગીરીને બિરદાવી પુષ્પવર્ષા દ્વારા તેમનું અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વહીવટીદાર સુશ્રી સિદ્ધિ વર્માએ તમામ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિતનો આભાર માન્યો હતો. મા અંબાની કૃપાથી આશીર્વાદથી આ મેળો સુખરૂપ સંપન્ન થયો છે, એમ જણાવી અંબાજી શક્તિપીઠ શ્રેષ્ઠ શક્તિપીઠ છે, દેશ દુનિયામાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે આ શ્રેષ્ઠ શક્તિપીઠ સ્વચ્છ શક્તિપીઠ બને એ આપણા સૌની ફરજ છે એમ જણાવી શક્તિપીઠ અંબાજીને આખું વર્ષ ચોખ્ખું ચણાક રાખવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ટીમ બનાસકાંઠાના અધિકારીશ્રીઓ , કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી