અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા મુંબઈમાં પત્રકાર સંગોષ્ઠી નું થયું આયોજન : સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પત્રકારો રહ્યા ઉપસ્થિત
મુંબઈના રાજકીય અને સામાજિક તેમજ ફિલ્મી ક્ષેત્રનાં મહાનુભાવોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ
ABPSS દ્વારા કેન્દ્રીય સ્તરે પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ સાથે અગામી 2 ઓક્ટોબરથી પત્રકાર સુરક્ષા યાત્રા નું પોરબંદર થી થશે પ્રસ્થાન : દેશના 20 થી વધુ રાજ્યોમાંથી પસાર થઈ યાત્રા દિલ્હીના જંતર મંતરમાં વિરામ પામશે
દેશના તમામ સ્તર નાં પત્રકારો પત્રકાર સુરક્ષા કાનૂન ને લાગુ કરાવવા માટે ABPSS સાથે જોડાય : રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલ
મુંબઈ : દેશની આર્થિક રાજધાની એવી મહાનગરી મુંબઈમાં સમગ્ર દેશના પત્રકારોનું સૌથી મોટું સંગઠન એવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) નું પાંચમું રાષ્ટ્રીય અધિવેશન અને પત્રકાર સંગોષ્ઠી નું લોખંડવાલા કોમ્પ્લેક્સ ખાતે આવેલ ફ્લેગ બેન્કવેટ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્ર ઉપરાંત દેશના 15 થી વધુ રાજ્યોના પત્રકારો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પત્રકાર સુરક્ષા કાનૂન પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ABPSS દ્વારા આયોજિત આ પત્રકાર મિલનનું ઉદઘાટન સંગઠન નાં પ્રદેશ સંરક્ષક સોહેલ ખંડવાનીજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલશાદ ખાન,જાણીતા સામાજિક અગ્રણી રામકુમાર પાલ,મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને વિધાયક મહાદેવ જોનકર, નારી સન્માન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુંદરી ઠાકુર, તિરંગા ફિલ્મ નાં આસી. ડાયરેક્ટર હુસેન બ્લોચ તેમજ સંગઠનના ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાકેશ પ્રતાપસિંહ પરિહાર, રાષ્ટ્રીય મહાસચિવ મહેફૂઝ ખાન, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલશાદ ખાન તેમજ વિવિધ રાજ્યમાંથી પધારેલા ABPSS ના પ્રદેશ અધ્યક્ષો દ્વારા પત્રકાર સુરક્ષા કાનૂનની પ્રવર્તમાન સમયમાં શા માટે વિશેષ જરૂરિયાત છે તે બાબતે પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશનું લોકતંત્ર હાલ તેની ગરિમા ગુમાવી રહ્યું છે
ત્યારે લોકતંત્રના ચોથા સ્તંભ એવા પત્રકારત્વને આપણે વિશેષ મજબૂતી પ્રદાન કરવી અતિ આવશ્યક છે. લોકતંત્રના બાકીના ત્રણેય સ્તંભો ભ્રષ્ટ સિસ્ટમ અને સરકારો નાં તાનાશાહી વલણને કારણે આમ જનતા નો વિશ્વાસ ધીમે ધીમે ગુમાવી રહ્યા છે ત્યારે લોકતંત્રના ચોથા સ્તંભ એવા પત્રકારત્વ જગતે પોતાની નૈતિક ફરજ માટે અને આ દેશના લોકતંત્રને તેમજ દેશના 142 કરોડ લોકોનાં અભિવ્યક્તિ ની સ્વતંત્રતા જેવા બંધારણીય મૂલ્યોના જતન કાજે આગળ આવવું પડશે.
છેલ્લા થોડા વર્ષોમાં પત્રકારો તમામ રીતે નબળા પડી રહ્યા છે ત્યારે તેમને ફરી મજબૂત બનાવી લોકતંત્રના ચારેય સ્તંભોને સમાન રીતે મજબૂત બનાવવા માટે “પત્રકાર સુરક્ષા કાનૂન”અતિ આવશ્યક છે. પ્રવર્તમાન સમયમાં ભારત વર્ષમાં પત્રકારત્વ કરવું એ અતિ જોખમનું કામ બની ચૂક્યું છે ત્યારે હર હાલમાં પત્રકારોની આર્થિક,શારીરિક અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું છે.
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અવિરત સંઘર્ષને કારણે છત્તીસગઢની સરકારે “પત્રકાર સુરક્ષા કાનૂન” પસાર કરવાની પહેલ કરી છે ત્યારે દેશના બીજા રાજ્યોએ તેમજ કેન્દ્ર સરકારે પણ પત્રકાર સુરક્ષા કાનૂન પસાર કરવો જોઈએ. સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂનને લઈને પત્રકારોમાં તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી એક ભવ્ય પત્રકાર સુરક્ષા યાત્રાનું આયોજન એ બી પી એસ એસ દ્વારા કરવામાં આવ્યું છે
જે અંતર્ગત આગામી 2 ઓક્ટોબર ગાંધીજીના જન્મદિને મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતેથી આ યાત્રા નું પ્રસ્થાન થશે અને દેશના 20 થી વધુ રાજ્યમાંથી પસાર થઈને પત્રકાર સુરક્ષા યાત્રા દિલ્હી પહોંચશે. આ યાત્રા દરમિયાન પત્રકારોને “ચલો દિલ્હી”નો નારો આપવામાં આવશે તેમ જ યાત્રાના સમાપન પ્રસંગે દિલ્હીમાં ઐતિહાસિક પત્રકાર સંમેલન યોજવામાં આવશે જેમાં દેશભરમાંથી હજારો પત્રકારો ઉપસ્થિત રહી “પત્રકાર સુરક્ષા કાનૂન” ની માંગને પોતાનું સમર્થન જાહેર કરી કેન્દ્ર સરકારને આ મામલે તુરંત કાર્યવાહી કરવા માટે અનુરોધ કરવામા આવશે.
પત્રકારોની સ્વતંત્રતાની સૂચિમાં હાલ ભારત દેશનું સ્થાન દુનિયાના કુલ દેશોમાં 180 માંથી 150 મું છે જે દર્શાવે છે કે ભારતમાં પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ પાયાની જરૂરિયાત છે. ભારત દેશને દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ તરીકે જ્યારે ઓળખવામાં આવે છે ત્યારે પત્રકાર સુરક્ષા કાનૂન જો આ દેશમાં પસાર થશે તો એ ભારતની લોકશાહી વ્યવસ્થા ને વધુ મજબૂત બનાવશે તેમાં કોઈ બેમત નથી. સમગ્ર દેશના પત્રકારોને પણ આ બાબતને લઈને આગળ આવવા માટે તેમજ મજબૂત પત્રકાર સંગઠનના નિર્માણ અર્થે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) સાથે જોડાવા માટે મંચ પરથી રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
એબીપીએસએસની આ પત્રકાર સંમેલનમાં ઉપસ્થિત મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય એવા સુનીલ પ્રભુ એ જણાવ્યું હતું કે પત્રકારોની “પત્રકાર સુરક્ષા કાનૂન”ની માંગ વાજબી છે અને તેઓ તન મન ધનથી પત્રકારોની સાથે છે. મહારાષ્ટ્ર વિધાનસભાના આગામી સત્રમાં તેઓ સ્વતંત્ર બિલ તરીકે “પત્રકાર સુરક્ષા કાનૂન”ના ડ્રાફ્ટને વિધાનસભાના પટેલ પર રાખવાનું કાર્ય કરશે.
આ તકે ઉપસ્થિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ ના પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન નાં કાયમી શુભેચ્છક એવાં અવિનાશભાઉ કાકડે એ જણાવ્યું હતું કે તેઓ ABPSS ના પદાધિકારીઓ સાથે રહીને તેઓએ મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા અજીત દાદા પાટીલને “પત્રકાર સુરક્ષા કાનૂન” નો ડ્રાફ્ટ સુપરત કર્યો છે અને જો મહારાષ્ટ્ર વિધાનસભામાં પત્રકાર સુરક્ષા કાનૂન નો ડ્રાફ્ટ આપવામાં આવશે તો એનસીપી તેનું સમર્થન કરશે તેમજ તેઓએ સત્તા પક્ષના ઉપસ્થિત પદ અધિકારીઓને પણ આ મામલે તેઓએ ABPSS દ્વારા તૈયાર કરાયેલ પત્રકાર સુરક્ષા કાનૂન ને પક્ષા પક્ષીનો ભેદભાવ ભૂલીને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો. એ બી પી એસ એસ ની આ પત્રકાર સભા ને સંબોધન કરતા મહારાષ્ટ્ર રાજ્યના ફડણવીસ સરકાર નાં પૂર્વ મંત્રી અને વિધાયક મહાદેવ ઝોનકરે જણાવ્યું હતું કે પત્રકારોને સુરક્ષા મળે તથા તેઓ પોતાની વાત બેબાક રીતે લખી શકે કે બોલી શકે તે માટે પત્રકાર સુરક્ષા કાનૂનની જે વાત છે તેને તેઓનું પૂરજોર સમર્થન છે.
આગળના સમયમાં તેઓ ABPSS ના પદાધિકારીઓને સાથે રાખી સત્તા પક્ષના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ને આ બાબતે હકારાત્મક નિર્ણય લેવા માટે અપીલ કરશે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ફિલ્મ જગતના અનેક પ્રખ્યાત કલાકારો,ડાયરેક્ટરો, સામાજિક સંસ્થાના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પત્રકાર જગત નાં અગ્રણીઓ તેમજ સંગઠન રાષ્ટ્રિય કાર્યકારિણી પદાધિકારીઓ એવા અજયસિંહ પરમાર જીતુભાઈ લખતરિયા, બાબુલાલ ચૌધરી, સત્યેન્દ્ર મિશ્રા, જમાલ મેઘરજ, સમ્રાટ બૌધ્ધ તેમજ જામનગરના પત્રકાર મિત્રો ઇનાયતખાન પઠાણ, પીનાકીનીબેન ભટ્ટ, પરેશ કનખરા અને ભાવનગર નાં વિષ્ણુ ભાઈ યાદવ સહિતના પત્રકારો એ આ સંમેલનમાં ગુજરાત નું પ્રતિનિધિત્વ કર્યું હતું.