Breaking NewsGandhinagarGir SomnathGujaratIndia

દેશભક્તિસભર વાતાવરણમાં તાલાલા ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી.મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી

૭૭માં પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથના તાલાલાના આંગણે સહકારી મિલ કમ્પાઉન્ડમાં ઉમંગ, ઉલ્લાસ અને દેશભક્તિસભર વાતાવરણમાં માહોલમાં જિલ્લાકક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ધ્વજવંદન કરી પરેડ નીરિક્ષણ કરી અને સલામી ઝીલી હતી.

મંત્રીશ્રી વતી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું છે, તેનો શ્રેય ભારતીય બંધારણના ઘડવૈયાઓને જાય છે. જેના કારણે આજે આપણે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડી શક્યા છીએ અને વિશ્વમાં ઉન્નત માથું કરીને દેશની ધ્વજાપતાકા ફરકાવી શક્યા છીએ.

કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના માનવીય મૂલ્યોનું જતન કરતું આ બંધારણ આપણને સૌને માર્ગદર્શન આપે છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર અને બંધારણસભાના સૌ સભ્યોએ ભારતને એક એવું બંધારણ આપ્યું, જેનું આપણે સૌ ગૌરવ લઈ શકીએ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત – ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.“ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ના ધ્યેયમંત્ર સાથે ભારતના નકશા પર પોતાનું સ્થાન અંકિત કરી રહ્યું છે. ભારતની ગતિ-પ્રગતિમાં આપણાં ગુજરાતનું અમૂલ્ય યોગદાન છે. ભારતના ગ્રોથ એન્જિન તરીકે વિખ્યાત ગુજરાતે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. એમ એમણે ઉમેર્યું હતું.

સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે તા. ૮ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણને ૧૦૦૦ વર્ષની પૂર્ણાહૂતિ અને બે – સરદાર વલ્લભભાઈ પટેલના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પના ૭૫ વર્ષના સુભગ સમન્વયરૂપે સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવવામાં આવ્યું. આ પર્વની ઉજવણીનો હેતુ ભાવિ પેઢીને સોમનાથના ઈતિહાસથી પરિચિત કરાવવાનો હતો. એટલું જ નહીં, આ પર્વ થકી રાષ્ટ્રીય ચેતનાનું જાગરણ એ પણ મુખ્ય ઉદ્દેશ હતો.

આ વર્ષે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એટલે કે એકતાનગર ખાતે ‘ભારત-પર્વ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પંદર દિવસ સુધી ચાલેલાં આ પર્વમાં ભારતની અનેકતામાં એકતા પ્રદર્શિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ એમણે ઉમેર્યું હતું.

કલેક્ટરશ્રીએ ભારતીય રાષ્ટ્રીય ચેતનાના પ્રતિક સમાન ગીત -‘વંદે માતરમ’ના દોઢસો વર્ષ, જનનાયક ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં વર્ષ ૨૦૨૫ને ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકેની ઉજવણી, આદિજાતિ વિકાસ સંદર્ભે યોજાયેલા કાર્યક્રમો, જનજાતીય કલ્યાણ વિશેષ યોજનાઓના લોકાર્પણ, ગુજરાતમાં આદિજાતિ ચેતનાની જાગૃતિ માટે રથયાત્રાઓ, ‘સુશાસન દિવસ’ની ઉજવણી, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ અને ભારતને ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવામાં આ સમિટની મહત્વપૂર્ણ ભૂમિકા વર્ણવી હતી.

કલેક્ટરશ્રીએ કૃષિ, શિક્ષણ, રમત-ગમત, સાઈબર સિક્યોરિટી, ગુજરાત પોલીસ દ્વારા આંતરિક સુરક્ષા, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર સહિત ઉદ્યોગક્ષેત્રે ગુજરાતે ભરેલી ગૌરવવંતી હરણફાળ વિશે વિગતે વાત રજૂ કરી ગાંધી અને સરદારના ગુજરાતનું સ્થાનવિશ્વના નકશા પર સ્થાન વધુ મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, એન.સી.સી પ્લાટૂન તેમજ એસ.આર.પી. ગૃપ બેન્ડ પ્લાટૂનની સલામી ઝીલી હતી. જિલ્લાકક્ષાની પ્રજાસતાક પર્વની પરેડનું નેતૃત્વ કમાન્ડર શ્રી જે.જે.પરમારે કર્યું હતું.

ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ (ગ્રા), સ્વચ્છ ભારત મિશન(ગ્રા), અને સખીમંડળની બહેનો દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ જેવી થીમ આધારિત આકર્ષિત ટેબ્લો, બાળ સુરક્ષા દ્વારા અભયમ અને બાળ સુરક્ષા, ખેતીવાડી વિભાગ/આત્મા પ્રોજેક્ટ/બાગાયત દ્વારા પ્રાકૃતિક ખેતીના આયામ દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કરાયો હતો. ટેબ્લો નિદર્શન સાથે જ વરસિંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા બેન્ડની સુરાવલીઓએ ઉપસ્થિત સર્વેનું મન મોહ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા બીનચેપી રોગ અને જુદા-જુદા રોગો વિશેની માહિતી આપતો ટેબ્લો, વનવિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ ટેબ્લો, આઈ.સી.ડી.એસ. દ્વારા લાઈવ આંગણવાડીનું નિદર્શન કરતો ટેબ્લો, પી.જી.વી.સી.એલ. દ્વારા સૂર્યઘર અને સોલાર અંગે જાગૃતિ, પશુપાલન ખાતાની યોજનાઓ દર્શાવતો ટેબ્લો, વાહનવ્યવહાર વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન દર્શાવતો ટેબ્લો, પોલીસ વિભાગ દ્વારા સાયબર સિકયોરિટી અને સાઈબર ક્રાઈમ અંગે અવેરનેસ દર્શાવતો ટેબ્લો, ફાયર વિભાગ દ્વારા ફાયર સર્વિસ અંગે જનજાગૃતિની થીમ સહિતના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.

વિવિધ સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ, મ્યૂઝિક સાથે સ્વરક્ષણ બચાવ અંગે કરાટેદાવ, રાસ-ગરબા સહિતના લોકનૃત્યો રજૂ કર્યા હતાં. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી તમામ રંગારંગ પ્રસ્તુતિઓ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં શ્રેષ્ઠ કામગીરી બદલ ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલનું સન્માન કરાયું હતું.

મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવાર સહિત જુદાં-જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે મિલ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, તાલાલા નગરપાલિકા પ્રમુખ ઉષાબહેન લક્કડ, જિલ્લા પોલીસવડા શ્રી જયદિપસિંહ જાડેજા, અગ્રણી સર્વશ્રી ડૉ. સંજયભાઈ પરમાર, ઝવેરીભાઈ ઠકરાર મહેન્દ્રભાઈ પીઠિયા, તાલુકાના ગણમાન્ય નાગરિકો, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તથા તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. 22મી જાન્યુઆરીએ યોજાશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર…

1 of 384

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *