ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે- ગુડ ગવર્નન્સને ધ્યાનમાં રાખીને ‘અટલ લેકચર સિરીઝ’નું શુભારંભ વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં સ્પીપા દ્વારા દેશ અને રાજ્યની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મળીને “અટલ સંસ્કાર વ્યાખ્યાન શ્રેણી”નું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં દેશ અને રાજ્યભરના વિવિધ વિષયના નિષ્ણાંતો ભાગ લઈને ગુડ-ગવર્નન્સ અને દેશની નીતિઓને લગતા મુદ્દાઓ પર વ્યાખ્યાયન કરશે. જેના ભાગરૂપે ‘અટલ લેક્ચર સિરીઝ’ શ્રેણીનો પહેલો વ્યાખ્યાન સ્પીપા, ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવ્યો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ‘અટલ લેક્ચર સિરીઝ’ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ માત્ર એક વર્ષગાંઠની ઉજવણી નહીં, પરંતુ એક એવા જીવનની ઉજવણી છે કે, જે સંપૂર્ણ રીતે રાષ્ટ્રસેવામાં સમર્પિત રહ્યા છે. અટલજીના ગુડ-ગવર્નન્સના પરિણામે આજે ભારતભરમાં તા.૨૫ ડિસેમ્બરે ‘સુશાસન દિન’ની ઉજવણી કરવામાં આવે છે.
વધુમાં શ્રી જોશીએ કહ્યું કે, ‘અટલ લેક્ચર સિરીઝ’ અટલજીના વિચારો અને મૂલ્યોને માત્ર સ્મરણ કરવાનું સાધન નથી, પરંતુ દેશના વિદ્યાર્થીઓ,યુવાનો અને નાગરિકોને પ્રેરિત કરતી એક નવી દિશા છે. પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલજીના જીવનમાં લોકશાહી, વિકાસ અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓ ખૂબ મહત્વના રહ્યા છે. આ તમામ વિષયો પર ચર્ચા અને વિચારમંથન કરવા માટે આ મંચ એક મહત્વપૂર્ણ અવસર છે. ‘અટલ લેક્ચર સિરીઝ’ અટલજીના દ્રષ્ટિકોણને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ રહેશે અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને વધુ બળ મળશે તેમ મુખ્ય સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. સોમ્ય કાંતિ ઘોષે ભારતીય અર્થતંત્ર તથા પ્રશાસકીય સુધારામાં શ્રી બાજપાયીજીના યોગદાનને યાદ કર્યા હતા. તેમજ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના સમયના ભારત તેમજ તેઓ દ્વારા ઘડવામાં આવેલી વિવિધ નીતિઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કડી છે જેના ભાગરૂપે દેશના વિવિધ ક્ષેત્રો જેમ કે, બેંકિંગ ક્ષેત્રના સુધારા, ટેલિકોમ ઉદ્યોગમાં ક્રાંતિ, પાવર ક્ષેત્રના સુધારા, ખાનગીકરણ, વીમા ક્ષેત્રની વૃદ્ધિ, પેન્શન અને પરિવહન ક્ષેત્રે વૃદ્ધિ ,દેશની મૂડી-ખર્ચ, રાજકોષીય નીતિ, ‘ઓપરેશન શક્તિ’ જેવા વિવિધ વિષયો પર પ્રકાશ પાડી દેશના વિકાસ વિશે આંકડાકીય માહિતી આપી હતી. તેઓએ વિકસિત ભારતમાં ટકાઉ કૃષિ બજારના અમૂલ્ય યોગદાન વિશે પણ સૌને માહિતગાર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે,ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપાયીજીની 100 મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર સમગ્ર વર્ષ દરમિયાન ગુડ ગવર્નન્સ સંબંધિત વિષયો પર ‘અટલ વ્યાખ્યાનમાળા’નું આયોજન કરે છે. આ વ્યાખ્યાનમાળાનું પ્રથમ વ્યાખ્યાન સ્પીપા કેમ્પસ, ગાંધીનગર ખાતે તા. ૧૬ જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે,શ્રી ઘોષે ભારતમાં મુખ્ય આર્થિક નીતિઓને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, તેમજ એક અગ્રણી અભ્યાસના સહ-લેખક તરીકે ભારતમાં ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારના પગારપત્રક ડેટાને એકત્રિત કર્યા છે. જેના કારણે EPFO અને ESIC દ્વારા માસિક પગારપત્રક ડેટા બહાર પાડવામાં આવ્યો હતો. ડો ઘોષ દ્વારા COVID-19 રોગચાળા દરમિયાન ખેડૂતો માટે PM-KISAN યોજના અને MSME તેમજ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના (ECLGS)ને આકાર આપવામાં શ્રી ઘોષનું મહત્વનું યોગદાન રહ્યું છે.
આ પ્રંસગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર સહિત વિવિધ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી,સચિવશ્રી,વડાઓ તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.