યોગની ભવ્ય સંસ્કૃતિ અને સંસ્કાર તથા વૈભવ અને વારસો વિશ્વને ભારતે આપ્યો છે-શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
——-
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત કાળીયાબીડ ખાતે આવેલ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલાં વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં જોડાયાં હતાં.

તેમણે આ અવસરે જણાવ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિની પુરાતન છે અને પુરાતન વારસો છે. યોગના સંસ્કાર, વૈભવ અને વારસો વિશ્વને આપવાનું કાર્ય ભારતે કર્યું છે.

ભારત વર્ષમાં સર્વાધિક લોકપ્રિય નેતા એવાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુનોમાં ભારત તરફથી યોગની ઉજવણી કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને યુનોએ સ્વીકારી તેના ઉપલક્ષમાં છેલ્લા આઠ વર્ષથી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે ભારત માટે ગૌરવની વાત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ઉજવણી થઇ રહી છે.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, યોગને જીવનનો નિયમિત ભાગ બનાવી સ્વસ્થ અને તંદુરસ્ત બનવાનો સંદેશો આ દિવસની ઉજવણી દ્વારા મળે છે.

તેમણે સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના જે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તેમનો મેડલ અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન પણ કર્યું હતું.

તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી જણાવ્યું કે, આ સંસ્થામાં વિદ્યાર્થી તરીકે જે સ્વપ્નાઓ સેવ્યા છે તે ભવિષ્યમાં સાકાર થાય અને તમારું જીવન ઉજ્જવળ બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ અવસરે સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચેરમેનશ્રી રમેશભાઈ મેંદપરા, ટ્રસ્ટી શ્રી નાનુભાઈ વાનાણી, રસિકભાઈ ઝાલાવાડીયા, સેક્રેટરીશ્રી જે.બી મૈયાણી તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં
——
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર
















