વલ્લભીપુર પાલિકાના 34 દાડિયા – રોજમદાર ઘરભેગા
વર્ષોથી લાગવગીયા કર્મચારીઓને ચૂકવાતો હતો લાખેણો પગાર
વલ્લભીપુર: તા ૨૦
વલ્લભીપુર નગરપાલિકામાં ઘરની ધોરાજી ચાલતી હોય એમ નિયત મહેકમ કરતા વધુ લોકોને વિવિધ હોદ્દાઓ પર નોકરીએ રાખીને વર્ષે દહાડે લાખોનો પગાર ચૂકવાતો હતો. ભલામણ કે લાગવગથી નિયમ વિરુદ્ધ નોકરીએ રખાયેલા આવા 34 દાડિયા, રોજમદારોને રાતોરાત ઘરભેગા કરી દેવાનો હુકમ થતાં જાહેર જનતાના પરસેવાની કમાણીમાંથી ચૂકવતા પૈસાનું પાણી થતું અટક્યું છે. જો કે, આ માટે મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચારો બાદ તંત્રના પગ હેઠે રેલો આવ્યો હતો. ત્યાં સુધી તો સૌએ ભાગબટાઈ કરીને સંપીને ખાવાનો ખેલ પાડ્યો હતો.
વલ્લભીપુર નગર પાલિકામાં વિવિધ કામ માટે ચોક્કસ સંખ્યાનું મહેકમ નક્કી કરવામાં આવ્યું હતું. દરેક પાલિકામાં લાગુ પડતા નિયમ મુજબ આ મહેકમ નક્કી કરાતું હોય છે. જો કે વલ્લભીપુર નગરપાલિકામાં ભાઈ-ભત્રીજાવાદ ચલાવીને લાગતા વળગતા લોકોને દાડિયા અને રોજમદાર તેમજ ફિક્સ પગારથી નોકરીએ રાખી લેવામાં આવ્યા હતા. આ બાબતે એક આરટીઆઇ પણ કરવામાં આવી હતી. જો કે જાડી ચામડીના અધિકારી, પદાધિકારીઓને આનાથી ફેર પડતો ન હોય એમ વર્ષોથી જરૂર કરતાં વધુ મહેકમને રાખીને સૌને સાચવી લેવામાં આવ્યા હતા. જ્યારે બે દિવસ પહેલા મીડિયામાં આ અંગે આધાર પુરાવા સાથે હોબાળો થયો ત્યારે જ તંત્રના પગ તળે રેલો આવ્યો હતો અને નિયમ વિરુદ્ધ ભરતી કરાયેલા 34 દાડિયા, રોજમદાર અને ફિક્સ પગારવાળાને તાત્કાલિક અસરથી છુટ્ટા કરવાનો આદેશ ચીફ ઓફિસરે કરવો પડ્યો હતો.
છુટ્ટા કરાયેલા કર્મચારીઓમાં રોજમદાર તરીકે એમ.આઈ.એસ.નો હોદ્દો ધરાવતા કુલદીપસિંહ ગોહિલ, ક્લાર્ક વૈશાલીબેન ડોડીયા, કોમ્પ્યુટર ઓપરેટર હેમરાજસિંહ ગોહિલ, વિક્રમ મકવાણા, વિપુલ બુધેલીયા, પટ્ટાવાળા કિશોર મકવાણા, ઓપરેટર અજિત બારડ, પ્રભાતસિંહ રાઠોડ, દિલીપગીરી ગોસાઈ, બેલદાર સુધીર નાવડીયા, ડ્રાઈવર પરાક્રમસિંહ પરમાર, ભરત બી. ચાવડા, ભરતસંગ ડી ચાવડા, રાજદીપ પરમાર, સફાઈ કામદાર ઉમેશ વેગડ, રણજીત ભગવાનભાઈ, નીતિન બીજલભાઈ, વીનુ બાબુ, કલ્પેશ પ્રવીણભાઈ, ધર્મેશ રાજુભાઇ, હિતેશ રમેશભાઈ, તુષાર ધીરુભાઈ, અજય દિનેશભાઇ, રવિ કાળુ, ગૌરીબેન મુકેશભાઈ, મનોજ પ્રેમજી, શરદ અરવિંદભાઈ, રમેશ કેશા, અરુણ કાંતિભાઈ, મહિપત વાઘેલા, જનકબેન વાઘેલા તથા ચોકીદાર મનસુખ સળિયા, વામન બી મકવાણા અને રાજુશા ભીખુશા પઠાણનો સમાવેશ થાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ 34 પૈકી ઘણા તો એકબીજાના સગા-સબંધીઓ છે કે પતિ-પત્ની છે. આ તમામ કર્મચારીઓને 18 તારીખ સાંજથી જ છુટ્ટા કરવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે. જો કે ઘણાં વર્ષોથી આવા કર્મચારીઓને કુલ મળીને કરોડો રૂપિયાનો પગાર ચૂકવાઈ ગયો છે ત્યારે આ થઈ ચૂકેલા ભ્રષ્ટાચાર માટે જે-તે અધિકારી પદાધિકારીની જવાબદારી ફિક્સ કરી તેની સામે પણ કાયદાકીય પગલાં લેવાવા જોઈએ તેવું વલ્લભીપુરવાસીઓ ઇચ્છી રહ્યા છે.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર