Breaking News

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯ થી ૨૫ નવેમ્બર,૨૦૨૪ દરમિયાન “વર્લ્ડ હેરીટેજ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વર્ષે વર્લ્ડ હેરીટેજ સપ્તાહની ઉજવણી “Discover and Experience Diversity” થીમ પર થઇ રહી છે. ગુજરાતના કેટલાક મહત્વના હેરીટેજ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

 આ સ્થળને વર્ષ-૧૯૬૭માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું, પરંતુ ૧૯૯૦ થી જ વ્યવસ્થિત રીતે ઉત્ખનન કરવામાં આવ્યું હતું. કલાકૃતિઓમાં ટેરાકોટા, માટીકામ, માળા, સોના અને તાંબાના ઘરેણાં, સીલ, માછલી પકડવાના હૂક, પ્રાણીઓની મૂર્તિઓ, ઓજારો, ભઠ્ઠીઓ અહીં ખોદકામ દરમિયાન મળી આવી હતી.

 પુરાતત્વ વિભાગ પ્રાપ્ત માહિતી અનુસાર આ નગર અંદાજે પ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું શ્રેષ્ઠ નગર આયોજન, શ્રેષ્ઠ જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન પ્રણાલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. ધોળાવીરામાં ઉત્ખનન દરમિયાન સિંધુ સભ્યતાનું એક સાઈન બોર્ડ પણ મળી આવ્યું હતું, જેને આજદિન સુધી ઉકેલી શકાયું નથી.

ધોળાવીરાને અહીં કચ્છના સ્થાનિક લોકો કોટડા એટલે કે મોટા કિલ્લા તરીકે પણ ઓળખે છે. કચ્છ જિલ્લાના ખદીર બેટમાં ચોતરફ મીઠાના રણની વચ્ચે ધોળાવીરા આવેલું છે. અહી ઉત્તરમાં માનસર અને દક્ષિણમાં મનહર એમ બે નદીઓ વહેતી હતી. મીઠાના વિશાળ સફેદ આચ્છાદિત ચાદરના રણથી ઘેરાયેલું આ પ્રાચીન નગર વન્યજીવ સૃષ્ટિ માટે પણ જાણીતું છે. જ્યાં ચિંકારા, નીલગાય, ફ્લેમિંગો જેવા પશુ-પક્ષીઓ જોવા મળે છે.

ધોળાવીરા એ સમયે નગર રચના માટે વિખ્યાત હશે તેમ જાણકારોનું માનવું છે. મુખ્ય કિલ્લો જે સૌથી ઊંચાણવાળી જગ્યાએ છે અને અન્ય બે નગરો નીચેના વિસ્તારમાં મળી આવ્યા છે. આ ઉપરાંત પથ્થરનું બાંધકામ પણ ધોળાવીરામાં જોવા મળે છે.

સ્વચ્છતાનું સુંદર નિયોજન ધોળાવીરામાં જણાઈ આવે છે, કારણ કે અહીં ભૂર્ગભ ગટર વ્યવસ્થા પણ મળી હતી. સુરક્ષા માટે નગરની ફરતે મોટી દીવાલો પણ અહીં મળી આવી હતી. ધોળાવીરાની બાજુમાંથી પસાર થતી નદીઓનું પાણી અંદર સુધી આવે તે રીતે જળ વ્યવસ્થાપન જોવા મળે છે. અન્ય સંસ્કૃતિઓના શહેરોમાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે.

જ્યારે ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ સંરક્ષિત દીવાલ આવેલી છે.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે (૧) રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ કે જે ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં (૨) અન્ય અધિકારીઓનાં આવાસ કે જેના ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી અને બેથી પાંચ ઓરડાવાળા મકાન હતાં. (૩) સામાન્ય નગરજનોનાં આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા.

આ નગરમાં મોતી બનાવાનું મોટું કારખાનું મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી છે.

સ્વદેશ દર્શન ૨.૦ માં ધોળાવીરાને આવરી લઈને વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરાશે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન ૨.૦ અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન ૨.૦ અંતર્ગત ભારતના આવા કુલ ૫૦ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના બે સ્થળો ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થયેલી છે.

ધોળાવીરાને સસ્ટેનેબલ એન્ડ રીસ્પોન્સ ટુરીસ્ટ સ્થળ તરીકે વિકસાવવાના હેતુસર બે ભાગમાં કામગીરી કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં કલ્ચર વિલેજ, એમ્ફીથીયેટર, ટેન્ટ સીટી, ટુરીસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતના કામો હાથ ધરાશે. આશરે રૂ. ૧૩૫ કરોડના ખર્ચે આકાર લેનારા પ્રથમ ફેઝના માસ્ટર પ્લાન મુજબ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સમગ્ર કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને આવરી લેવાશે તથા કમ્યુનિટી હોલ બનાવવામાં આવશે.

 ધોળાવીરા પ્રવાસન સ્થળના વિકાસ સાથે માસ્ટર પ્લાનમાં નજીકના ધાર્મિક સ્થાનકો, કુદરતી સ્થળો સહિતના જોવાલાયક સ્થળોને પણ સાંકળી લેવાશે, જેથી પ્રવાસીઓ અહીં વધુમાં વધુ જોવાલાયક સ્થળોની મુલાકાત લઇ શકે.

હેરીટેજ ટુરીઝમ પોલીસી
દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાતની પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે રાજ્ય સરકારે “હેરિટેજ ટુરિઝમ પોલિસી-ર૦ર૦-રપ” જાહેર કરી હતી. આ પોલીસી હેઠળ ગુજરાતના નાના ગામ-નગરોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પ્રાચીન વિરાસત ઇમારતો, રાજા રજવાડાના મહેલો, ઝરૂખા, મિનારા અને કિલ્લા સહિતના હેરિટેજ સ્થળોને પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખૂલ્લા મૂકવાનો તેમજ આવા હેરીટેજ સ્થળોને પ્રોત્સાહનો આપવાનો રાજ્ય સરકારે આગવો અભિગમ અપનાવ્યો છે.

 હેરીટેજ ટુરિઝમ પોલીસી અંતર્ગત તા. ૧ જાન્યુઆરી-૧૯પ૦ પહેલાની હેરિટેજ હોટલ, મ્યૂઝિયમ, બેન્કવેટ હોલ કે રેસ્ટોરન્ટનું નિર્માણ કરતી ઐતિહાસિક વિરાસતના મૂળ માળખા સાથે છેડછાડ કરી શકાશે નહિ. સાથે જ, હેરીટેજ હોટલ, હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટના રીનોવેશન-રીપેરીંગ માટે રૂ. ૩૦ લાખથી રૂ. ૧૦ કરોડ સુધીની સહાય રાજ્ય સરકાર પૂરી પાડે છે. આ ઉપરાંત પાંચ વર્ષ માટે ૧૦૦ ટકા ઇલેકટ્રીસિટી ડ્યૂટી માફી અને નેશનલ-ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે રેન્ટ સહાય વગેરેના વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 342

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *