દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. ત્યારે મુખ્ય સચિવએ દ્વારકાધીશ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દ્વારકાધીશ મંદિરના વિકાસ અંગે સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ઉપરાંત બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચ ખાતે પ્રવાસીઓ માટેની નિર્માણાધીન સુવિધાઓનું નિરીક્ષણ કરી સંલગ્ન અધિકારીઓ પાસેથી ભવિષ્યમાં આકાર લેનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પણ તલસ્પર્શી માહિતી મેળવી હતી.
વધુમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન માટે કરવામાં આવતી જાળવણી અને વ્યવસ્થાપન તેમજ સ્થાનિક વિશેષતાઓ અને જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અંગેની વિગતોથી મુખ્ય સચિવને માહિતગાર કર્યાં હતા.
ઉપરાંત મુખ્ય સચિવએ બેટ દ્વારકા મંદિર તથા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શન કર્યા હતા. વધુમાં બેટ દ્વારકામાં પ્રવાસન વિકાસ અને જન સુખાકારી માટે સૂચિત વિવિધ પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી મેળવી હતી.
આ પ્રસંગે કલેકટર રાજેશ તન્ના, નાયબ કલેક્ટર મનોજ દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.