દેવભૂમિ દ્વારકા, એબીએનએસ: રાજ્યના ખેડૂતોને રવિ ઋતુમાં ખેતી અને બાગાયતી પાકો વિષે આધુનિક કૃષિ આધુનિકીકરણ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા આશયથી રાજ્યના તમામ તાલુકાઓમાં તા. ૦૬/૧૨/૨૦૨૪ થી તા. ૦૭/૧૨/૨૦૨૪ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન થનાર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ કાર્યક્રમનાં સુચારૂ આયોજનનાં ભાગરૂપે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ના આયોજનને લઈ તમામ તાલુકાઓમાં સ્થળ પસંદગી, કાર્યક્રમના સમય અંગે ચર્ચા, ખેડૂતોને આધુનિક તાંત્રિકતાઓ અને નવીનતમ ટેક્નોલોજીની માહિતી મળી રહે તે માટે કાર્યક્રમના સ્થળે કૃષિ પ્રદર્શન માટે ૧૦ થી ૧૫ સ્ટોલનાં આયોજન માટે સંભવિત સ્ટોલની યાદી, સૂચિત કાર્યક્રમની રૂપરેખા, મહાનુભાવો અને પદાધિકારીઓને નિમંત્રણ, તાલુકાના તમામ ગામોના ખેડૂતોનું પ્રતિનિધિત્વ જળવાઇ રહે તે મુજબ ખેડૂત મોબીલાઇઝેશનની વ્યવસ્થા, સ્ટેજ કાર્યક્રમ, પશુ આરોગ્ય કેમ્પ યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બે દિવસીય કાર્યક્રમ અન્વયે કલેકટરએ સંબંધિત વિભાગનાં તમામ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી માહિતી મેળવી રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ના સુચારુ આયોજન અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ના સુચારુ આયોજન અંગે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા,પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત સંબધિત તમામ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.