દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૦૬ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી યોજાઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં તા.૧૦ એપ્રિલના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીની ભવ્ય શોભાયાત્રા દ્વારકાના હાથી ગેટથી શરૂ કરી દ્વારકા મંદિર થઈ રુકમણી મંદિર સુધી યોજાશે. જેમાં ઠેર ઠેર સ્થળે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રુકાણીજીનું સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધિબા જાડેજા, ધારાસભ્યો પબુભા માણેક તથા હેમંત ખવા સહિત ઉત્તર પૂર્વ રાજ્યોના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.