દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પ્રજાની મિત્ર છે તે દર્શાવતું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરધના ધામ નજીક “પોલીસ સેવા કેમ્પ” શરૂ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત પાણી, શરબત, ચા – નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવી રહી છે. તેમજ વાઈબ્રેટર મસાજ મશીન દ્વારા મસાજ પણ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ૨૫ હજારથી વધુ લોકોની સુરક્ષા માટે “જય દ્વારકાધીશ”ના સ્ટીકરો તેમજ રેડિયમ પટ્ટી લગાડવામાં આવી છે. માત્ર એટલું જ નહિ રાત્રિ દરમ્યાન જતા પદયાત્રીઓને ૮૦૦ કરતા વધારે ટોર્ચ આપવામાં આવી હતી. ઉપરાંત ૧૫,૩૦૦ જેટલા પદયાત્રીઓની પ્રાથમિક મેડિકલ સારવાર તથા નેત્ર નિદાન કેમ્પ મારફત ૭૪૩૦ જેટલ પદયાત્રીઓના આંખોની ચકાસણી કરી ૯૦૬ જેટલા યાત્રીઓને સ્થળ પર જ ચશ્મા વિતરિત કરાયા હતાં.