દેવભૂમિ દ્વારકાના હર્ષદ (ગાંધવી) પહોંચેલી શોભાયાત્રાનું મંત્રીશ્રી મુળુભાઈ બેરા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આરંભ આજે થયો હતો. માધવપુર ઘેડથી હર્ષદ ગાંધવી ખાતે પહોચેલી શોભાયાત્રાનું રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના સહિતના મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જાનના સ્વાગતમાં આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનશ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજી જાનના દર્શનનો લ્હાવો લેવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જાનનું ગાંધવી (હર્ષદ) ખાતે આગમન થતા લોકો દ્વારા પારંપરિક પોશાકમાં શરણાઈ અને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાસ મંડળી દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભકતજનોએ ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીના આશીર્વાદ લીધા હતા.ગાંધવીથી નીકળેલી જાનનું ગાંગળી, લાંબા, ભોગાત, કુરંગા અને બરાડીયામાં કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, માધવપુર અને ઉત્તર પૂર્વના રાજ્યો વચ્ચેનો નાતો યુગોથી લોકોના હૃદયમાં છે. જે ભારતની બે સંસ્કૃતિના મિલનની મિસાલ રૂપે પ્રજ્વલી રહ્યો છે. આ નાતાનાં મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહ. આ વિવાહની યાદમાં વર્ષોથી માધવપુર ખાતે પાંચ દિવસનો મેળો યોજાય છે.
જે સરકારના પ્રયાસોથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પ્રસરાવી રહ્યો છે. આજના દિવસે ભગવાન કૃષ્ણ રુક્મણીજીની જાન માધવપુરથી નીકળીને દ્વારકા નગરી પહોંચી નગર યાત્રા કરી નીજ મંદિરમાં પધરામણી કરવામાં આવી હતી.
મંત્રી સાથે સ્વાગતમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.