દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા ખંભાળિયા તાલુકાના નાના માંઢા ખાતે સિંહણ નર્સરીમાં વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
૦૨ હેકટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા આ વન કવચમાં ૨૦,૦૦૦ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. કરંજ, લીમડો, આસોપાલવ, સવન, હરડે, સપ્તપરની, સરગવો, પારિજાત, પુત્રજીવા સહિત ૩૯ પ્રજાતિના રોપાઓ ઉછેરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના વન વિભાગ દ્વારા રાજ્યને વધુ હરિયાળુ બનાવવાના હેતુથી, જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકીની વનીકરણ પધ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વન વિભાગ દ્વારા વન કવચ પધ્ધતિ વિકસાવવામાં આવી છે. વન કવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે એક ઝડપથી નાનું વન બનાવવાની પધ્ધતિ છે.
વન કવચના લોકાર્પણ પ્રસંગે નાયબ વન સંરક્ષક આર. ધનપાલ, નાયબ વન સંરક્ષક અરુણ કુમાર, આર. એફ. ઓ. પિંડારિયા, અગ્રણી ભરતભાઈ ચાવડા, પ્રતાપભાઈ પિંડારિયા, કાનાભાઈ કરમુર, સગાભાઇ રાવલિયા સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.