અંબાજી મેળામાં 10 વર્ષના બાળક સાહીનની પ્રમાણિકતા પ્રેરણા બની. ભીડ ભરેલા મેળામાં બાળક દ્વારા 7,000 રૂપિયા મૂળ માલિકને પરત કરી સત્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું
અંબાજી, સંજીવ રરાજપૂત અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં 10 વર્ષના સાહીન નામના બાળકની પ્રમાણિકતા સૌ માટે પ્રેરણા બની છે. સાણંદથી અંબાજી દર્શન કરવા આવેલ સાહીનને એક દુકાન પાસે કવરમાં 7,000 રૂપિયાની રકમ મળી હતી.
થોડા જ સમય બાદ મૂળ માલિક પ્રકાશભાઈ વ્યાસ પોતાની ખોવાયેલી રકમ શોધતા તે દુકાન પાસે આવ્યા હતા. સાહીને કોઈ લાલચ વિના સાચી માહિતી આપી અને રકમ મૂળ માલિકને પરત કરી હતી.
મૂળ અંબાજીના વેપારી પ્રકાશભાઈ વ્યાસની ખોવાયેલી રકમ સાચા હાથમાં પાછી મળતા તેમની આંખોમાં આભારની લાગણી છલકી ઊઠી હતી.
આ ઘટનાની જાણ થતા 51 શક્તિપીઠ સર્કલ ખાતે આવેલા કંટ્રોલ પોઇન્ટ પર સાહીનનું સન્માન કરાયું અને મુખ્ય કંટ્રોલ રૂમના ઈનચાર્જ તથા જિલ્લા આયોજન અધિકારી આઈ.એલ.પરમારે બાળકની પ્રમાણિકતા તથા સત્યનિષ્ઠાની પ્રશંસા કરીને બાળકનું સન્માન કર્યું હતું.
ભીડ ભરેલા મેળામાં સાહીનનું આ ઉદાહરણ માત્ર બાળસહજ નિર્દોષતાનું નહીં, પરંતુ સમાજ માટે પ્રામાણિકતા અને સદાચારનું જીવંત પ્રતિક બન્યું છે.