ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો
સેવા ભાવના એ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ
પત્રકારોએ માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ
અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૫ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે વરસાદી માહોલ વચ્ચે પણ માઇભક્તો માઁ અંબાના દર્શનાર્થે ઉમટ્યા હતા. માઁ અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુરની ટીમ અને પત્રકારશ્રીઓનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોઇ ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઇ ભક્તો મેળામાં આવતા હોય ત્યારે તેમના દર્શન, વિસામો, પાર્કિંગ ,આરોગ્ય, સુરક્ષા ,અને જાન માલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પુરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો. ત્યારે વહીવટી તંત્ર અને સેવા કૅમ્પોના આયોજકોના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી. જ્યારે મેળાના પ્રસાર પ્રચારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી.
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે સેવા કેમ્પોની સેવાઓને બિરદાવી જણાવ્યું હતું કે, સેવા કેમ્પના આયોજકો સાથે સતત મીટીંગ અને સંકલનથી સમગ્ર આયોજન અને વ્યવસ્થાની રૂપરેખા તથા સારી કામગીરી થઈ શકી છે. મેળાની વ્યવસ્થાઓનું સતત મોનીટરીંગ અને ફીડબેક લેવામાં આવ્યું હતું. દર વર્ષે વ્યવસ્થાઓ સારી હોય છે અને ઉત્તરોત્તર તેમાં સુધારો થઈ રહ્યો છે અને સારી વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે વોટર પ્રૂફ ડોમ સહિત ભવ્ય સેવા કેમ્પ લાખો માઈભક્તોની સેવામાં અવિરત સેવા બદલ કલેકટરશ્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.
સેવા કેમ્પોના આયોજકો દ્વારા તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું. સેવા ભાવનાએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે. પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે. મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠાં મેળાની અનુભૂતિની કરાવી છે. વહીવટીતંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે. માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપ સૌની સેવા ભાવનાને બિરદાવી હૃદય પૂર્વક આભાર માનું છું.
આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરઝા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે અને જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુમ્બે, અંબાજી મંદિર ટ્રસ્ટ વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી, દાંતા પ્રાંત અધિકારીશ્રી હરિની કે, નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમાર સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, સેવા કેમ્પોના આયોજકશ્રીઓ, જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક/ પ્રિન્ટ તથા સોશિયલ મીડિયાના તંત્રીશ્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર પ્રહલાદ પુજારી અંબાજી